રહસ્યોના પડદાઓ ફાડી તો જો
ખુદા છે કે નહી હાક મારી તો જો

પલાંઠી લગાવીને ના બેસી રહે
તું મુઠ્ઠીઓ વાળીને ભાગી તો જો

હશે તો ઉઠી દોડવા માંડશે
તું પ્રારબ્ધને લાત મારી તો જો

ખબર તો પડે મોતીઓ છે કે નહી
સમુંદરમાં ડુબકી લગાવી તો જો

છે મીઠા કે ખારા સમજ તો પડે
જલન ઝાંઝવાઓને ચાખી તો જો
 
-જલન માતરી
 
સ્વર : આશિત દેસાઇ
સ્વરાંકન :આશિત દેસાઇ