ગાંધીજી તો નથી પરંતુ… | ચંદ્રકાન્ત શેઠ

ગાંધીજી તો નથી, એમનાં ચશ્માં અહીં તો છે ને!
એ ચશ્માંને કહું છું, એમની દૃષ્ટિ અમને આપે.

ગાંધીજી તો નથી, એમનાં ચંપલ અહીં તો છે ને!
એ ચંપલને કહું છું, એમનાં પગલાં ને પથ આપે.

ગાંધીજી તો નથી, એમની લાઠી અહીં તો છે ને!
એ લાઠીને કહું છું, ટેકો અહિંસાને એ આપે.

ગાંધીજી તો નથી, એમનાં ખાદી-વસ્તર છે ને!
એના તારેતા૨ કરુણાનો કસ અમને આપે.

ગાંધીજી તો નથી, એમનો વ્હાલો ચ૨ખો છે ને!
અમને સર્વોદયની દીક્ષા જનોઈવત્ એ આપે.

ગાંધીજી તો નથી, એમની સેવાકુટિ૨ છે ને!
તન-મન રાખી સ્વસ્થ સદા એ સાચી શાંતિ આપે.

ગાંધીજી તો નથી, એમની આત્મકથા’ તો છે ને!
શબ્દે શબ્દે સત્યધર્મનો જીવન૨સ એ આપે.

– ચંદ્રકાન્ત શેઠ

સૌજન્ય: પરબ