કણકણ થઇને વિખરાયો છું:કોઇ સમેટો !
છાંટે છાંટે ઢોળાયો છું : કોઇ સમેટો !

લગભગ નામે ગામ તણો કાયમ રહેવાસી,
રસ્તે રસ્તે વેરાયો છું : કોઇ સમેટો !

વાટે, ઘાટે, પહાડે પહાડે, ટીંબે ટીંબે,
પાણે પાણે પથરાયો છું : કોઇ સમેટો !

ધરના ફળિયે મેં દોરેલી રંગોળીમાં,
રંગ રંગે વીંખાયો છું : કોઇ સમેટો !

ભાવ ,ભૂખ,ભગતી,ભોજનને ભેળાં કરવા;
દાણ દાણે ફેલાયો છું: કોઈ સમેટો !

-અરવિંદ બારોટ
૧૮ ડિસેમ્બર, ૨૦૧૬