પાટ પર  પ્હેલા   પધારો  શ્રી ગણેશા
લ્યો , વગાડું   એકતારો   શ્રી ગણેશા

ત્યાં લગી તો   આવવા  માટે  અમોએ
શબ્દનો   લીધો   સહારો   શ્રી ગણેશા

અર્થ  આપો  ધૂપ  ને   ગૂગળ સરીખા
ગંધને   ચોગમ   પ્રસારો   શ્રી ગણેશા

રોજ  વિકટ  વારતા  બનતી  રહે  છે
આપદા સઘળી  નિવારો    શ્રી  ગણેશા

ધન્ય  થાશું   એક  તાજું  ફૂલ મળતાં
કંટકોનો    છે    પથારો    શ્રી ગણેશા

આપણામાં  એક  માણસ  થાય   બેઠો
આપજો  એવા   વિચારો   શ્રી ગણેશા

આ  ગઝલ   બાજોઠ  પર  મૂકી  અમે
‘દર્દ’ની  ગઝલો  મઠારો    શ્રી ગણેશા

– શિવજી રૂખડા ‘દર્દ’