છે સૌની પાસે સૌની પ્યાલી,
કોઈ ભરેલી સાવ છલોછલ;
કોઈની ઉણી, કોઈ છે ખાલી.

કોણ આ કંઠે પ્યાસ જગાવે,
ધબકારાનાં ઘૂંટ ભરાવે;
કેટલી ભરી કોઈ ન જાણે,
તોય લીધી છે હાથમાં ઝાલી.

ઘૂંટ ભરાતા ખીલતી કાયા,
આંખમાં રૂડા રંગની છાયા;
મનમાં જાગે માદક માયા,
લોહીમાં ફુટે પ્રીત નિરાલી.

ફૂટતી વાણી ને વહેતી વાતો,
જામતી સંગત ને જામતો નાતો;
કોઈ આવીને સાથમાં પીતું,
કોઈ મૂકીને જાય છે ચાલી.

-શ્યામલ મુનશી

સ્વર : શ્યામલ મુનશી
સ્વરાંકન : શ્યામલ મુનશી