માડી તારાં નવનવ ખંડે થાણાં
કે ખંડ ખંડ અભરે ભર્યા રે લોલ,
માડી તારી જ્યોતે ઝળકયાં વાણાં
કે વાણલાં મંગળ કર્યા રે લોલ–

સૂરજના સાત સાત રંગોથી રંગેલી
ચૂંદડી તે ઓઢી નિરાળી,
ચંદરની ચૌદ ચૌદ ભવનો ઉજાળતી
ટીલડી તેં ચોડી રૂપાળી,
માડી તારાં નીલમ નમણાં નેણાં
કે નેણલે અમી ઝર્યા રે લોલ

ઘૂઘવતા દરિયાના સૂર સમી ગાજતી
ચેતનવંતી તારી તાળી,
આખું બ્રહ્માંડ એવી તાળીઓના તાલે
તે નાચંતું કીધું નેહ ઢાળી,
માડી તારા કંઠે સૂરની હેલી
કે હેલીએ હૈયાં હર્યા રે લોલ

પાંચ પાંચ તત્ત્વોની માંડવડી લઈ તું
આભ અને ધરતીને ઘેરે,
ત્રણ ત્રણ લોકનાં એક એક કણમાં
તું કીરપાનાં કણકણ વેરે,
માડી તારાં કુમકુમ પગલાં જોયાં
ને જોઈને નયણાં ઠર્યાં રે લોલ

-ભાસ્કર વોરા

સ્વર : ગાર્ગી વોરા અને પ્રહર વોરા
સ્વરાંકન : ગૌરાંગ વ્યાસ