ચન્દ્રીએ અમૃત મોકલ્યાં, રે બ્હેન!
ફૂલડાંકટોરી ગૂંથી લાવ,
જગમાલણી રે બ્હેન!
અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે બ્હેન!

અંજલિમાં ચાર-ચાર ચારણી, રે બ્હેન!
અંજલિમાં છૂંદણાંના ડાઘ :
જગમાલણી રે બ્હેન!
અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે બ્હેન!

ઝીલું નહીં તો ઝરી જતું, રે બ્હેન!
ઝીલું તો ઝરે દશ ધાર :
જગમાલણી રે બ્હેન!
અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે બ્હેન!

ફૂલડાંમાં દેવની હથેળીઓ, રે બ્હેન!
દેવની કટોરી ગૂંથી લાવ :
જગમાલણી રે બ્હેન!
અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે બ્હેન!

-ન્હાનાલાલ કવિ

સૌજન્ય : સંજય રાઠોડ સુરત