લીલો રે ૨ંગ્યો જેણે પોપટ
ધોળો કીધો જેણે હંસ
સઘળે તે રંગે ચીતર્યો મોરલો
એને ઓળખવો છે અંશ

નજરું નાંખી આખા આભલે
જેની ભરી રે ભૂરાશ
જલનો લાગ્યો મીઠો ઘૂંટડો
માણી આંબળાની તૂરાશ
હે જી લીલો રે રંગ્યો

કાનજીની કાયા ગણું કેટલી
ધર્યું રાધાનું ય રૂપ
શબદુનો સાદ નહીં પ્હોંચતો
મારી રસના તો અવ ચૂપ
હે જી લીલો રે રંગ્યો

-પ્રિયકાન્ત મણિયાર

સ્વર : ભુપિન્દરસીંઘ
સ્વરાંકન : ક્ષેમુ દિવેટિયા

સૌજન્ય : માલવ દિવેટિયા