કાજળના અંધકારે કાજળની કીકી થકી
કાજળનાં લેખ અમે વાંચ્યા.
ધરતીની ભોંયે નહીં ઝાંઝર ઝમકાર નહીં
અમે પાની વિનાનાં એવા નાચ્યાં
કાજળના અંધકારે…

પાણીનું કોડિયું ને પાણીની વાટ લહી
પાણીની જ્યોત દીપ ફૂટયો
પાણીનાં મહેલમાં પાણીનાં તેજ અને
પાણી પવનથી બૂઝયો
સૂરજના કંઠ સોહે એવો એક હાર રચ્યો
બુદ બુદનાં મોતી અમે ગાંઠયાં
કાજળનાં અંધકારે…

આકાશી વાદળાંની આકાશી ધાર અમે
આકાશી ભોમ પરે ઝીલી
આગળ ને પાછળ પાછળ ને આગળ
આકાશી હરિયાળી ખીલી
મૃગલાં ને ડૂબવે ચારે કોર ઘૂઘવે
એ મૃગજળનાં પૂરને
કંઈ નહીં ના હાથ થકી નાથ્યાં
કાજળના અંધકારે…

-પ્રિયકાન્ત મણિયાર

સ્વર : વિરાજ ઉપાધ્યાય અને બિજલ ઉપાધ્યાય
સ્વરાંકન :ક્ષેમુ દિવેટિયા