મનડું વીંધાણું રાણા
ચિત્તડું ચોરાણું રાણા શું રે કરું
વિષ પીધે રાણા ના રે મરું

નીંદા કરે છે મારી નગરીના લોક રાણા
તારી શીખામણ હવે મારે મન ફોક રાણા
ચિત્તડું ચોરાણું રાણા શું રે કરું

ભૂલી રે ભૂલી હું તો ઘરનાં રે કામ રાણા
ભોજન ના ભાવે નયણે નીંદ હરામ રાણા
ચિત્તડું ચોરાણું રાણા શું રે કરું

બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર ના ગુણ વ્હાલા
પ્રભુને ભજીને હું તો થઈ ગઈ ન્યાલ રાણા
ચિત્તડું ચોરાણું રાણા શું રે કરું

-મીરાંબાઈ

સ્વર :બંસરી ભટ્ટ
સ્વરાંકન : ક્ષેમુ દિવેટિયા