ૐકાર સ્વર સાત લયલીન દિનરાત
શ્રુતિ સ્વર્ગગંગાને શત શત પ્રણિપાત.
અલૌકિક પ્રકાશે ઊઘડતું સ્વરાકાશ

ઉમ’ગે તરંગાતું નમણું ચિદાકાશ
શિવમ્ સુંદરમ્ સત્ય રૂપે તું સાક્ષાત્
શ્રુતિ સ્વર્ગગંગાને શત શત પ્રણિપાત.
આ કલકલકતાં વારિ ને મર્મરતો વાયુ

આ તણખામાં તડતડતો ભડભડતો અગ્નિ
અને બીજમાંથી આ વૃક્ષો થઈને
લ્યો કંપે ઉમંગે આ રમણીય ધરતી
જૂઓ પંચભૂતોમાં વિલસે છે સ્વર સાત.

અને સપ્તસ્વર સુગંધિત છે આકાશ
શ્રુતિ, સ્વર્ગગંગાને શત શત પ્રણિપાત.
આ મંદિર ને મસ્જિદ, ગુરુદ્વારા, દેવળ
છે સ્વરસિદ્ધ સઘળું, છે સ્વરમગ્ન કેવળ

અહમ્ ઓગળે વિસ્તરે સંઘશકિત
સૂરીલા સમિધે. પ્રગટ સૂર. શકિત

આ શબ્દોનાં પંખી ને અર્થોનું આકાશ
(આ) કલરવનાં પર્ણોમાં મર્મરની હળવાશ

શિવમ્ સુંદરમ્ સત્ય રૂપે તું સાક્ષાત્
શ્રુતિ સ્વર્ગગંગાને શત શત પ્રણિપાત.

-તુષાર શુકલ

સ્વર : શ્રુતિ ગાયકવૃંદ