તમે ઝાકળની ચાવીથી ખોલિયા રે
મારા વહેલી સવાર જેવા ઓરતા

વહેલી સવાર, તારી આંખોથી ટપકેલી
પહેલ-વહેલી વાત જેવી મીઠી
વહેલી સવાર, મારા જોયાં ને જોયેલાં
સપનાંઓ ટાંકવાની ખીંટી

તમે પાંપણની ચાવીથી ખોલિયા રે
મારા વહેલી સવાર જેવા ઓરતા
રંગ નીતરતા ઓસ ભર્યા સોણલા

ઝાકળનું ગામ સાવ અટકળનું ગામ
એમાં સાચકલા જીવ હું અને તું
સૂરજના રસ્તા પર ઝાકળનો રથ લઇને
નીકળેલા જીવ હું અને તું

તમે વાદળની ચાવીથી ખોલિયા રે
મારા તરસ્યુના ટળવળતા ઓરડા
તમે ઝાકળની ચાવીથી ખોલિયા રે
મારા વહેલી સવાર જેવા ઓરતા

-સ્નેહી પરમાર

સ્વરઃ શિવાની વ્યાસ
સ્વરાંકન : ડો. સંજીવ ધારૈયા