વાતાવરણને  કારણે   ઊભા  રહ્યા   છીએ
સૂસવાતી ક્ષણને કારણે ઊભા  રહ્યા છીએ

એવું નથી  કે  દોસ્ત, ઊપડતાં નથી   ચરણ
લીધેલ પણને કારણે  ઊભા   રહ્યા   છીએ

દોરી છે  આડી કોઈએ   રેખા  અદૃશ્ય એક
આ આવરણને  કારણે ઊભા  રહ્યા  છીએ

આવ્યાં ઘણાં ને કાફલો પણ થઈ ગયો છતાં
બસ એક જણને કારણે ઊભા રહ્યા  છીએ

રસ્તાની–સાથીની–તો  સમસ્યા  નથી  કશી
ખૂટલ ચરણને કારણે ઊભા   રહ્યા   છીએ

આવ્યું’તું એવું યાદ શું, એ  યાદ  પણ નથી !
કઈ સાંભરણને કારણે ઊભા રહ્યા  છીએ ?

-મનોજ ખંડેરિયા

સ્વર : વિનુભાઈ વ્યાસ
સ્વરાંકન : જયંતિભાઈ પટેલ