શંકાથી પર    થવાય ને!   ત્યારે   જીવાય છે,
શ્રધ્ધા   પૂરી   સ્થપાય ને! ત્યારે  જીવાય  છે;

સાવ જ અજાણ્યા લોકના દુ:ખ-દર્દ  જોઇને,
આ  આંખ ભીની  થાય ને!  ત્યારે જીવાય છે,

હોવું   નશામાં    એકલું    કાફી   નથી  હોતું!
પીડા  બધી. ભૂલાય   ને!   ત્યારે જીવાય  છે;

ગમતું  કોઈક   આવીને   પૂછી   લે ‘કેમ. છો?’
ડૂમો   પછી. ભરાય  ને!   ત્યારે   જીવાય  છે;

છૂટાં   છવાયા   શેર   લખો,   સાચવો   ભલે!
આખી ગઝલ  લખાય  ને!  ત્યારે જીવાય  છે;

તારા  થઈ  બજવાથી    મને  એ   ખબર પડી!
તારા    થઈ   જવાય  ને!   ત્યારે  જીવાય  છે.

– હિમલ પંડ્યા

સ્વર : રાગ રિષભ મહેતા
સ્વરાંકન : રિષભ મહેતા