ઓરડાની માલીપા બેસીને નીરખું
કે ચોમાસું કોની સોગાત છે?
ભીનપની, ટહુકાની, લાગણીના વહેવાની,
કે કોરા કુતુહલની વાત છે!

વરસાદી વાદળાએ ઘેર્યું આકાશ, અને
વર્ષાની ઝામી તૈયારી
તુફાની વાયરાના ભીના અડપલાએ હું
કેમ કરી બંધ કરું બારી

ત્રૂફેલા મોરલાઓ ગહેકી ઉઠે છે,
એવી વરસાદી વાતો રળીયાત છે

મનડું મુંઝાય અને હૈયું હિજરાઇ
લીલા તોરણ સુકાય મારે ટોડલો
પ્રિતમને કહી દો કે સૂના આકાશ મહીં
આષાઢી ગીતો ના મોકલે

તરસ્યો આ કંઠ મારો કોરોધારોક
છો ને લીંપણમા નદીઓની ભાત છે

ઓરડાની માલીપા બેસીને નીરખું
કે ચોમાસું કોની સોગાત છે?
ભીનપની, ટહુકાની, લાગણીના વહેવાની,
કે કોરા કુતુહલની વાત છે!

– તુષાર શુક્લ

સ્વર: કલ્યાણી કૌઉઠાળકર
સ્વરાંકન : હસમુખ પાટાડીયા