આકાશની   વાતોમાં  વચ્ચે  અવકાશની  વાતો    રહેવા   દે !
ચર્ચાઓ   હવાની  ચાલે   છે,  તું   શ્વાસની   વાતો   રહેવા  દે !

સંતાન   તને   દુઃખ  દે  છે  પણ,  તું  વાત કરે     છે   ધરતીને !
તો  સ્હેજ  ટૂંકાવી  કરને   ભૈ !  ને  ચાસની   વાતો   રહેવા  દે !

અધ્યાત્મ તણો આ મુદ્દો છે, Suspense ફિલમની વાત નથી !
‘મૃત્યુ’  એ  વિષય  પર  બોલ  કશું  ને  લાશની વાતો રહેવા દે

અસ્તિત્વ  ઉપર  છે   ઉઝરડા  ને    કંઠે   ફસાયા    છે   ડૂમા !
તો   એક   વિનંતી   મારી   છે !   વિશ્વાસની   વાતો  રહેવા દે.

છે સ્વપ્ન ને  ઈચ્છા ભારેખમ   ને   બોજ   ઉપરથી   સંબંધનો !
હું  સ્હેજ  ઊભો  થઉં  ત્યાં લગ તું હળવાશની વાતો રહેવા દે !

~ડૉ.મનોજ જોશી ‘મન’
(જામનગર)

સ્વર : શૌનક પંડયા
સ્વરાંકન : શૌનક પંડયા