સ્હેજ ઉભી તી તરુવરની છાયા માં
ને બાઈ હું તો લીલીછમ લીલીછમ થૈ
પાંદડાઓ ટીકી ટીકી જોયા કરે
મને પડતી કશીય ગમનૈ

મેં તો તડકા ઉલેચ્યા ખોબે ખોબે
ને થયો કાયાનો સોનેરી રંગ,
હેબતાઈ જઇહું તો ફૂલ માં છુપાઈ
મારે રોમ રોમ ફૂટી સુગંધ;
ટેરવે ઝીલીને એક ટીપું પીધું
ને બાઈ હું તો ભીનીછમ ભીનીછમ થૈ

નેજવું કરી ને જરી જોયું આઘે
ત્યાં છાતી ના મોર બધા ગંહેક્યા
શરમાઈ જઈમેં તો શમણાં ઓઢયાં
ને ભીતરમાં અરમાન કઈ બહેકયા
કમખેથી ગાંઠનાં ઊડયાં કબૂતર
ને બાઈહું તો ખાલીખમ ખાલીખમ થૈ

મને પડતી કશીય ગમ નૈ

-નીતિન મહેતા
 
સ્વર: વિભા દેસાઈ
સ્વરાંકન: ક્ષેમુ દિવેટિયા
શબ્દસૌરભ: તુષાર શુક્લ