સાંભરે રે… બાળપણના સંભારણા
સાંભરે રે… બાળપણના સંભારણા

ઉઘડતાં જીવનના બારણા
હાં જાણે, ઉઘડતાં જીવનના બારણા
એ… બાળપણના સંભારણા

ફૂલ સમા હસતાં, ખીલતા’તાં
પવન સમા લહેરાતાં
ગાતા’તાં, ભણતા’તાં
મસ્તીમાં મસ્ત મનાતાં

ચ્હાતા’તાં વિદ્યાના વારણાં
એ… બાળપણના સંભારણા

રખેને બોલ્યું કોઈ સાંભળશે એની ચિંતા ન્હોતી
રખેને બોલ્યું કોઈ સાંભળશે એની ચિંતા ન્હોતી
ભય ન્હોતો, મદ ન્હોતો, પ્રીતિની પીડા ન્હોતી
ભય ન્હોતો, મદ ન્હોતો, પ્રીતિની પીડા ન્હોતી

ન્હોતી કોઈ ઝાઝી વિચારણા
એ… બાળપણના સંભારણા

કોઈ અજાણ્યા નરને હોંશે પ્રિયતમ કહેવું પડશે
કોઈ અજાણ્યા નરને હોંશે પ્રિયતમ કહેવું પડશે
વણમૂલે, વણવાંકે, દાસી થઈ રહેવું પડશે
વણમૂલે, વણવાંકે, દાસી થઈ રહેવું પડશે

ન્હોતી મેં ધારી આ ધારણા
એ… બાળપણના સંભારણા
 
– પ્રભુલાલ દ્વિવેદી

સ્વર : દિપ્તી દેસાઇ
સંગીત : કાસમભાઇ