અડકીને ચાલો તોય અળગા, સાજન,
હોઠ મલકે ને ખીલે નહીં ફૂલ,
સેજમાં તમારી સોડે સૂતી, ને તોય
નેણ ખટકે ઉજાગરાની શૂળ.

મનમાં ઊઠે છે કેવા કેવા તરંગ,
હવે ‘કોને કહું’ ‘કોને કહું’ થાતું,
પાસે ને પાસે તમે આવો ને મન મારું
અદકું ને અદકું મૂંઝાતું;
વેણમાં ન હૈયાનાં પ્રોવાતાં કહેણ
કહો કેમ કરી કરવા કબૂલ?

વેગળા રહો તો વ્રેહવેદનાએ પ્રીછું,
રીસ રાખો તો માનથી મનાવું,
સમજો તો બોલતા અબોલાનો ભેદ
એક આંખના ઈશારે સમજાવું.
એટલેથી રીઝો તો મબલખના મેળામાં
કહું કે ‘સાજન મારી ભૂલ !’

– હરીન્દ્ર દવે

 
સ્વર : શોભા શાસ્ત્રી, અમન લેખડિઆ
સ્વરાંકન : દિનેશ જોશી