છત મળશે ને છત્તર મળશે
Feb 03
ગીત Comments Off on છત મળશે ને છત્તર મળશે
છત મળશે ને છત્તર મળશે, ગોદ માતની ક્યાં?
શયનખંડ ને શય્યા મળશે, સોડ માતની ક્યાં?
રસ્તા મળશે, રાહી મળશે, રાહત માની ક્યાં ?
ચાંદ સૂરજ ને તારા મળશે, આંખો માની ક્યાં ?
પલ્લવ ને પુષ્પો પણ મળશે, પાલવ માનો ક્યાં?
સૂર, તાલ ને સંગીત મળશે, ટહુકો માનો ક્યાં ?
હાજર હાથ હજાર હોય પણ છાતી માની ક્યાં?
બારે ઉમટે મેહ, હેતની હેલી માની ક્યાં?
ભર્યા ઉનાળે પરબ સરીખી છાયા માની ક્યાં?
ભર્યા શિયાળે હૂંફ આપતી માયા માની ક્યાં ?
-ચંદ્રકાન્ત શેઠ
સ્વર : ઓસમાણ મીર
સ્વરાંકન : અમર ભટ્ટ