મને તરબોળ થવું…

Comments Off on મને તરબોળ થવું…

 
 

 
 

મને તરબોળ થવું,
હવે ભીની ભીની રાતો લઈને,
આવ સજનવા

તું વરસાદી વાતો લઈને આવ સજનવા.
ચૈતર ટાઢો ડામ બનીને અંગ અંગને બાળે,
પરસેવે હું રેબઝેબ ને ગામ બધું ભાળે,
રોમરોમમાં ગીત મૂકીશું તું અષાઢને ગાતો લઈને, આવ સજનવા,
તું વરસાદી વાતો લઈને આવ સજનવા.
આવ આપણા સંબંધોને નામ આપશું થોડા,
પળ પળ વીતી જાય વાલમા, પછી પડીશું મોડા,
તોડ્યો જે ના તૂટે એવો એક નાતો લઈને, આવ સજનવા,
તું વરસાદી વાતો લઈને આવ સજનવા.
 

-દિલીપ રાવળ
 
સ્વર:હિમાલી વ્યાસ નાયક
સ્વરાંકન :રિશીત ઝવેરી
 
 

આંખોમા બેઠેલા ચાતક કહે છે

Comments Off on આંખોમા બેઠેલા ચાતક કહે છે

 
 

 
 
આંખોમા બેઠેલા ચાતક કહે છે, મારું ચોમાસું ક્યાંક આસપાસ છે;
ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે.

કોરી કુંવારી આ હાથની હથેળીમાં માટીની ગંધ રહી જાગી;
તરસ્યા આ હોવાના કોરા આકાશમાં આષાઢી સાંજ એક માંગી.

વરસાદી વારતાઓ વાંચી વાંચીને હવે ભીજાવું એ તો આભાસ છે;
કોરપની વેદના તો કેમે સહેવાય નહીં રૂંવે રૂંવેથી મને વાગે;

પહેલા વરસાદ તણું મધમીઠું સોણલું રહી રહીને મારામાં જાગે
નસનસ આ ફાટીને વહેવા ચહે છે,આ તે કેવો આષાઢી ઉલ્લાસ છે;
 
– તુષાર શુક્લ
 
સ્વર : આરતી મુનશી
 
 

હે રંગલો…

Comments Off on હે રંગલો…

 
 

 
 

હે રંગલો,
જામ્યો કાલંદરી ને ઘાટ,
છોગાળા તારા,
હો રે છબીલા તારા,
હો રે રંગીલા તારા
રંગભેરૂ જુએ તારી વાટ, રંગલો…
હે હાલ્ય હાલ્ય હાલ્ય,
વહી જાય રાત વાત માં ને,
માથે પડશે પ્રભાત,
છોગાળા તારા,
હો રે છબીલા તારા,
હો રે રંગીલા તારા રંગભેરૂ જુએ તારી વાટ, રંગલો.
હે રંગરસીયા,
હે રંગરસીયા તારો રાહડો માંડી ને, ગામને છેવાડે બેઠા,
કાના તારી ગોપલીએ, તારે હાટુ તો કામ બધા મેલ્યાં હેઠાં.
હે તને બરકે તારી જશોદા તારી માત…
છોગાળા તારા,
હો રે છબીલા તારા,
હો રે રંગીલા તારા રંગભેરૂ જુએ તારી વાટ, રંગલો.
મારા પાલવ નો છેડલો મેલ,
છોગાળાઓ છેલકે
મન મારું મલકે છે.
એ હું મોરલો ને તું તો મારી ઢેલ,
હું છોડવો તું વેલકે
મન મારું ઘડકે છે.
હે હે હે…..હે જી
સાંજ ને સુમારેજ્યારે સુર જ્યાં નમે
નર નાર લગે તારસંગ રંગ રમે
કોઇ રૂપની કટોરી, કોઇ રૂપનો કટોરો
કોઇ શ્યામ, કોઇ ગોરો
રમે છોરી અને છોરો
ધરણી ધમધમે…..
હે જી રે…..તુર તુર તુર
ગાંડીતુર શરણાઇ કેરા સુર
વીંધે ઉર ચકચુર
સંગે તાલ ને નુપુર
તારુ પાદર ને પુર
સામ સામ સામે
હે જીણું જીણું વાગતી રે વેણુંરે
ને ગામને પાદર ઉડતી રે રેણું
ને નાચતી રે આવે કોઇ ગામની રે ઘેનું
છેલ રે છબીલી નાર છમ્ છમ્ છમે.

છેલ રે છબીલી નાર છમ્ છમ્ છમે.
 
-અવિનાશ વ્યાસ
 
સ્વર : કૈલાશ ખેર
 
 

ચાલ્યા જ કરું છું

Comments Off on ચાલ્યા જ કરું છું

 
 

 
 

ચાલ્યા જ કરું છું ચાલ્યા જ કરું છું
આ જગત જન્મ્યું જ્યારથી ચાલ્યા જ કરું છું
ચાલ્યા જ કરું છું

સંસારની પગથારને કોઈ ઘર નથી
મારા જ ઘરમાં ક્યાં જવું એ મુજને ખબર નથી
શ્રદ્ધાનો દીવો દિલમાં પ્રગટાવ્યા કરું છું
ચાલ્યા જ કરું છું ચાલ્યા જ કરું છું

હસ્તી નથી એની જ હસ્તી ધારી લઈને
બુદ્ધિ કરે જો પ્રશ્ન એને મારી લઈને
મંદિરમાં જઈ ઘંટને બજાવ્યા કરું છું
ચાલ્યા જ કરું છું ચાલ્યા જ કરું છું

નાટક કરું છું જે હું નથી તે હું થઈને
મરું છું થોડી વાર મીઠું ઝહેર લઈને
જેણે બનાવ્યો એને હું બનાવ્યા કરું છું
ચાલ્યા જ કરું છું ચાલ્યા જ કરું છું
 
-અવિનાશ વ્યાસ
 
સ્વરઃ ઉર્મિશ મહેતા
સ્વરાંકન : ગૌરાંગ વ્યાસ
 
 

હરિવર ઊતરી આવ્યા નભથી

Comments Off on હરિવર ઊતરી આવ્યા નભથી

 
 

હરિવર ઊતરી આવ્યા નભથી.mp3

 
 

હરિવર ઊતરી આવ્યા નભથી ગાતા મેઘમલ્હાર
જળ વરસ્યું ને થયો હરિનો સીધો સાક્ષાત્કાર

ફૂંક હરિએ હળવી મારી, ગાયબ બળભળ લૂ
શ્વાસ હરિના પ્રસર્યાં માટી સ્વયં બની ખુશબૂ

ખોંખારો હરિએ ખાધો ને વાદળ ગરજ્યાં ઘોર
સ્હેજ વાંસળી હોઠ અડાડી, ટહૂક્યાં મનભર મોર

ત્રિભુવનમોહન નેત્રપલક ને ઝળળ વીજ ચમકાર
જળ વરસ્યું ને થયો હરિનો સીધો સાક્ષાત્કાર

વાદળમાં ઘોળાયો હરિનો રંગ સભર ઘનશ્યામ
હરિ પગલે આ ગલી બની શ્રાવણનું ગોકુળગામ

પ્રેમ અમલ રસ હરિને હૈયે તેનું આ ચોમાસું
નામસ્મરણને શબ્દે નભને નેણથી વહેતાં આંસુ

મેઘધનુષમાં મોરપિચ્છના સર્વ રંગ સાકાર
જળ વરસ્યું ને થયો હરિનો સીધો સાક્ષાત્કાર
 
– ભગવતીકુમાર શર્મા
 
સ્વર : હરીશ ઉમરાવ અને નયના ભટ્ટ
સ્વરાંકન : હરીશ ઉમરાવ
 
 

Older Entries Newer Entries

@Amit Trivedi