રોઈ રોઈ આંસુની ઊમટે નદી તો

Comments Off on રોઈ રોઈ આંસુની ઊમટે નદી તો

 

 

રોઈ રોઈ આંસુની ઊમટે નદી તો
એને કાંઠે કદમ્બ વૃક્ષ વાવજો
વાદળ વરસે ને બધી ખાર૫ વહી જાય
પછી ગોકુળિયું ગામ ત્યાં વસાવજો
આંખોમાં સાંભરણ ખૂંચશે કણાની જેમ
પાંપણના દ્વાર કેમ દેશું ?
એક પછી એક પાન ખરશે કદમ્બનાં
ને વેળામાં વિખરાતાં રેશું
છલકાતું વેણ કદી હોલાતું લાગે તો
વેળુમાં વિરડા ગળાવજો..રોઈ રોઈ…

પૂનમની એકાદી રાતના ઉજાગરાને
સાટે જીવતર લખી જાશું
અમથું એ સાંભરતું એકાદા વેણમાં
તો હૈયું વીંધાવીને ગાશું
ભવભવની પ્રીતિનું બંધાણી ભેટે તો
વનરાવન વાટે વળાવજો
લીલુડાં વાંસ વન વાઢશો ન કોઈ ને
મોરપિંછયું ને ભેળી કરાવજો…રોઇ રોઈ…

-માધવ રામાનુજ

સ્વર : વિભા દેસાઈ
સ્વરાંકનઃ ક્ષેમુ દિવેટિયા

કહીં છે એ જીગર મ્હારું કહીં છે આંસુની ધારા

Comments Off on કહીં છે એ જીગર મ્હારું કહીં છે આંસુની ધારા

 

 

કહીં છે એ જીગર મ્હારું કહીં છે આંસુની ધારા,
કહીં આનંદ છે મ્હારો, સહુ મિજમાન એ પ્યારાં,
સહુ મે’માન બે દિ’ના, હવે ઘરે આખરે સૂનું,
ઉપાડું ભાર હું મ્હારો , મદદ કોની કહીં માગુ

દયાના શબ્દો કાને પડે ભણકાર ના કો’દિ
સદાની પાયમાલીના ભર્યા ભણકાર છે આંહિ
અરેરે ઈશ્ક ! તું માં હો ! બહુ આનંદ રેલ્યો’તો
હતો હું ચાહતો ત્યારે ભરી દિલ ખૂબ મ્હાલ્યો’તો

અરેરે ! ઈશ્ક તું માં રે ! ભર્યા પ્યાલાં ગમીનાં એ
હવે તે જાતથી મ્હારી કરું સાબિત છું આજે
મગર છાલાં પડેલું આ જીગર જ્યાં ખૂન ચાલે છે
હવે આરામ આ આવ્યો ! કહે ધબકારમાં આજે

-કલાપી

સ્વરઃ આશિત દેસાઈ
સ્વરાંકન :ક્ષેમુ દિવેટિયા

એવો પાધરમાં દીઠો અમિયલ આંબલો

Comments Off on એવો પાધરમાં દીઠો અમિયલ આંબલો

 

 

એવો પાધરમાં દીઠો અમિયલ આંબલો
એનાં ફળ રે મીઠાં ને તૂરી છાલ
મૈયર પાછું સાંભરે…

આંખ્યું જેવી મંડાણી લીલાં પાંદડે
રાતી શેડયે ભરાણાં કૂણાં ગાલ
મૈયર પાછું સાંભરે…

આછા આછા પવન આછી ઓઢણી
અમે આછેરા પૂછ્યા સવાલ
મેયર પાછું સાંભરે..

કાળા કેશ ને કાળી કાળી કાંસકી
કિયા કામણથી કીધા કમાલ
મૈયર પાછું સાંભરે…

એક ઠેસે ફંગોળી નાખ્યો હીંચકો
ભેળાં હાલ્યાં ઊડાડી ગુલાલ
મૈયર પાછું સાંભરે..

આજ પાણી પીધાં ને ચાવ્યાં ટોપરાં
લાજું રાખી’તી શ્રીફળની કાલ
મૈયર પાછું સાંભરે..

પાછું ડગલું ભરીને ભૂસી કેડિયું
આગળ ઊભી અજાણી દીવાલ
મૈયર પાછું સાંભરે…

-વિનોદ જોશી

સ્વરઃ વિરાજ ઉપાધ્યાય અને બિજલ ઉપાધ્યાય
સ્વરાંકન :ક્ષેમુ દિવેટિયા

મારી આંખે કંકુના સૂરજ આથમ્યાં

Comments Off on મારી આંખે કંકુના સૂરજ આથમ્યાં

 

 

મારી આંખે કંકુના સૂરજ આથમ્યાં
મારી વેલ શણગારો વીરા શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ

પીળે રે પાંદે લીલાં ઘોડા ડૂબ્યાં
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ

મને રોકે પંછાયો એક ચોકમાં
અડધા બોલે ઝાલ્યો, અડધો ઝાંઝરથી ઝાલ્યો
મને વાગે સજીવી હળવાશ

-રાવજી પટેલ

સ્વરઃ રાસબિહારી દેસાઈ
સ્વરાંકનઃ ક્ષેમુ દિવેટિયા

મોસમનું ખાલી નામ છે

Comments Off on મોસમનું ખાલી નામ છે

 

 

મોસમનું ખાલી નામ છે, આ તારું કામ છે.
રંગોની સુરાહિમાં સુગંધોના જામ છે

મોસમનું ખાલી નામ છે, આ તારું કામ છે.
રંગોના ઘાવો પર આ સુગંધોના ડામ છે.

વરસે છે વાદળોથી જે એ તારું વ્હાલ છે
નખશિખ ભીંજાય છે જે હૈયાનું ગામ છે

શોધીશ તો યે નહીં મળે નકશામાં એ તને
નકશાની બ્હારનું છે, એ સપનાનું ગામ છે

હેમંતને વસંતને વર્ષાની વાત ક્યાં
તારાં જ છે સ્વરૂપ ને તારો દમામ છે

આને જ તે કહેતાં હશે દિવાનગી બધાં
કોઇ પૂછે ને કહી ન શકું : વાત આમ છે…

માઝા મૂકીને દોડતો દરિયો ય આવશે
રેતીમાં આંગળીથી લખ્યું એનું નામ છે

ભીની અજાણી ભીંત પરની લીલમાં હજી
ગઇ કાલે કોતર્યું હતું એ કોનું નામ છે…

મોસમ બધીય યાદની મોસમ બની ગઇ
મક્તાનો શેર શ્વાસમાં, છેલ્લી સલામ છે.

-તુષાર શુક્લ

સ્વર : શ્યામલ સૌમિલ મુનશી
સ્વરાંકનઃ ક્ષેમુ દિવેટિયા

Older Entries Newer Entries

@Amit Trivedi