તારે રે દરબાર મેઘારાણા

Comments Off on તારે રે દરબાર મેઘારાણા

તારે રે દરબાર મેઘારાણા
તારે રે દરબાર
કોણ રે છેડે ઓલ્યા
ગેબી વીણાના તાર
તારે રે દરબાર મેઘારાણા
તારે રે દરબાર

વીજ નાચે એનું નવલું રે નર્તન
રૂપ રૂપનો અંબાર
વાદળીઓના રમ્ય તારે
ઝાંઝરનો ઝણકાર
તારે રે દરબાર મેઘારાણા
તારે રે દરબાર

સાગર સીમાડે કોઈ ગાતું
રાગ મેઘમલ્હાર
પૂછે પ્રકૃતિ કઈ દિશામાં
સંતાડ્યા શૃંગાર
શ્રાવણના શૃંગાર-
તારે રે દરબાર મેઘારાણા
તારે રે દરબાર

-ભાસ્કર વોરા

સ્વર : ગાર્ગી વોરા

હૈયાને દરબાર

Comments Off on હૈયાને દરબાર

હૈયાને દરબાર!
હૈયાને દરબાર વણથંભી વાગે કોઈ…
વાગે કોઈ સિતાર
હૈયાને દરબાર!

કોની હૂંફે હૂંફે અંતર રંગત આજ જમાવે?
કોના પહેરી ઝાંઝર કોના હૈયાને ડોલાવે?
અકલિત આશાને પગથાર
આશાને પગથાર વણથંભી વાગે કોઈ…
વાગે કોઈ સિતાર
હૈયાને દરબાર!

કોના રૂપે રૂપે રસભર રાગિણી રોળાય?
કોના પટમાં નાચી શતશત હૈયાં આજ નચાવે?
કોના પટમાં નાચી શતશત હૈયાં આજ નચાવે?
પલ પલ પ્રીતિના પલકાર
પ્રીતિના પલકાર વણથંભી વાગે કોઈ…
વાગે કોઈ સિતાર
હૈયાને દરબાર!

-ભાસ્કર વોરા

સ્વર પુરુષોત્તમ ઉપાધ્યાય

કોકના તે વેણને વીણી વીણીને

Comments Off on કોકના તે વેણને વીણી વીણીને

કોકના તે વેણને વીણી વીણીને વીરા ઊછી ઉધારાં ન કરીએ
હૈયે ઊગે એવી હૈયાની વાતને ફૂલ જેમ ફોરમતી ધરીએ

કોયલ તો કોઇનો ટહુકો ન માગે ને મોરલો કોઇની કેકા
માનવીનું કાળજ તે કેવું કર્યું પીડ પોતાની પારકા લ્હેકા

રૂડાં રૂપાળાં સઢ કોકના શું કામનાં પોતાને તુંબડે તરીએ
હૈયે ઊગે એવી હૈયાની વાતને ફૂલ જેમ ફોરમતી ધરીએ

કોકના તે વેણને…

કોઈ કોઈ ચીંધે છે રામ ટેકરી કોઈ ઓઢા-હોથલની ગુહા
ચોમાસે ક્યાંક ક્યાંક શલોક ચગે ક્યાંક દરદે નીંગળતા દુહા

જીવતી ને જાગતી જીવનની ખોઈમાં કોઈની ભભૂત ન ભરીએ
હૈયે ઊગે એવી હૈયાની વાતને ફૂલ જેમ ફોરમતી ધરીએ

કોકના તે વેણને…

પોતાની વાંસળી પોતે બજાવીએ ને રેલાવી દઈએ સૂર
ઝીલનારું એને ઝીલી લેશે ભલે પાસે જ હોય કે દૂર

ઓલ્યા તો મોતમાં જીવી ગિયા વીરા જીવતાં ન આપણે મરીએ
હૈયે ઊગે એવી હૈયાની વાતને ફૂલ જેમ ફોરમતી ધરીએ

કોકના તે વેણને વીણી વીણીને વીરા ઊછી ઉધારાં ન કરીએ
હૈયે ઊગે એવી હૈયાની વાતને ફૂલ જેમ ફોરમતી ધરીએ

કોકના તે વેણને…

-મકરંદ દવે

સ્વરઃ સુરેશ જોશી અને ફાલ્ગુની શેઠ
સ્વરાંકન : અજિત શેઠ

હૃદયના શુદ્ધ પ્રેમીને

Comments Off on હૃદયના શુદ્ધ પ્રેમીને

 

હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછાં છે,
ન પરવા માનની તોયે બધા સન્માન ઓછાં છે.

તરી જવું બહું સહેલું છે, મુશ્કિલ ડૂબવું જેમાં,
અરે એ રસ સરિતાથી તો ગંગાસ્નાન ઓછાં છે.

પ્રણય કલહે વહે આંસુ ચૂમી ચાંપી હૃદય સ્વામીન,
અરે એ એક પળ માટે જીવનના દાન ઓછાં છે.

-પ્રભુલાલ દ્વિવેદી

સ્વર : દિપ્તી દેસાઈ
સ્વરાંકન : અમિત ઠક્કર

આ શબ્દ હવે છૂટે તો સારું

Comments Off on આ શબ્દ હવે છૂટે તો સારું

 

આ શબ્દ હવે છૂટે તો સારું.
મૌન સુધીના મારગ માંડ મળ્યા છે,
વાટ ખૂટે તો સારું.

સંબોધનમાં, સંબંધોમાં,
માયાની માયામાં,
પગલે પગલે શબ્દ અહીં રોકી રાખે છે,
એના પડછાયામાં;

આ મનમાં પળ પળ ઊગતા રહેતા મોહ
હવે છૂટે તો સારું.

ક્યાં અધવચ્ચે, ક્યાં મઝધારે
ક્યાં અંતરને આરે,
ખુદને મૂકી પાછળ ચાલ્યા,
પાછા ફરશું ક્યારે!

આ જીવતર જેવું જીવતર અટવાયું છે,
જાળ તૂટે તો સારું.

આ શબ્દ હવે છૂટે તો સારું.
મૌન સુધીના મારગ માંડ મળ્યા છે,
વાટ ખૂટે તો સારું.
આ શબ્દ હવે છૂટે તો સારું.

-માધવ રામાનુજ

સ્વર : શેખર સેન
સ્વરાંકન : સુરેશ જોશી

Older Entries Newer Entries

@Amit Trivedi