આષાઢે તણખલું ના તોડીએ

Comments Off on આષાઢે તણખલું ના તોડીએ

એ જી,અષાઢે તણખલું ના તોડીએ જી,
એ જી, એ તો ફૂટતું રે ઘાસ,
એમાં ધરતીના શ્વાસ,
એની પત્તીની પીમળમાં પોઢીએ જી…
અષાઢે તણખલું ના તોડીએ જી.

પ્રભાતે પછેડિયું ના ઓઢીએ જી,
એ જી, આવ્યાં અજવાળાં જાય,
આવ્યા વાયુયે વળી જાય,
આવ્યા રે અતિથિ ના તરછોડીએ જી….
અષાઢે તણખલું ના તોડીએ જી.

તારે આંગણિયે ઊગ્યું એ પરોઢિયે જી,
એ જી, એ તો ફાગણ કેરું ફૂલ,
એમાં એવી તે કઈ ભૂલ ?
પરથમ મળિયા શું મુખ ના મોડીએ જી….
અષાઢે તણખલું ના તોડીએ જી.

-ઉશનસ્

સ્વર : ઓસમાણ મીર
સ્વરાંકન : અમર ભટ્ટ

સૌજન્ય : સંજયભાઈ રાઠોડ સુરત

આવી હવાની લહેરખી

Comments Off on આવી હવાની લહેરખી

આવી હવાની લહેરખી તારા તરફ, મારા તરફ
ફેંકી ઋતુએ ગુલછડી તારા તરફ, મારા તરફ

તું ખિન્ન છે, કાં ખિન્ન છે, એવું પૂછે છે આ સમય
ચીંધીને એની આંગળી તારા તરફ, મારા તરફ

ના રાતને પંપાળ તું, જો સૂર્ય આવે છે નવો
અજવાસની લઈ પાલખી તારા તરફ, મારા તરફ

જો સાદ પાડ્યો આપણે તો પથ્થરો ફાડી અને,
કેવી ધસી આવી નદી તારા તરફ, મારા તરફ

-રમેશ પારેખ

સ્વર : જન્મેજય વૈદ્ય
સ્વરાંકન : જન્મેજય વૈદ્ય

સૌજન્ય : જલસો ગુજરાતી

સાવ સૂની આ જગામાં

Comments Off on સાવ સૂની આ જગામાં

સાવ સૂની આ જગામાં ફરફરું છું’, કયારનો,
આંસુથી અળગો પડીને ઝરમરું છું, કયારનો.

અટપટા સંકેત છે તારાં સ્મરણમાં એટલાં,
આવ ને સમજાવ એવું કરગરું છું, કયારનો.

જાણતો જેની ધરાતલ, એ જ છે રસ્તા છતાં,
એક ડગલું માંડતાં પણ થરથરું છું, કયારનો.

સાવ સામે તો ય ના સ્પર્શી શકું, ચૂમી શકું,
આવી મર્યાદાથી મનમાં ચરચરું છું, કયારનો.

દેહમાં ખૂંપી ગયું ‘ઈર્શાદ’ વરસોથી છતાં,
આ સમયના બાણને ખેંચ્યા કરું છું, ક્યારનો.

-ચિનુ મોદી

સ્વર : કલ્પક ગાંધી
સ્વરાંકન : કલ્પક ગાંધી

ઝાડ પહેલા મૂળથી છેદાય છે

Comments Off on ઝાડ પહેલા મૂળથી છેદાય છે

ઝાડ પહેલા મૂળથી છેદાય છે
એ પછીથી બારણું થઈ જાય છે

આ ગગનચુંબી ઘરો સર્જાય છે
આભ તો પંખીનું ઓછું થાય છે

એમને તું કેમ છત્રી મોકલે?
જે અહીંયા જાણીને ભીંજાય છે

સ્વપ્ન જેવું હોય શું એ બાળને?
ડાળે જેનું ઘોડિયું બંધાય છે

આજ ઇચ્છાના હરણ હાંફો નહીં
ખૂબ પાસે જળ સમું દેખાય છે

કોઈને પથ્થર હૃદય કહેશો નહીં
આંસું પથ્થરના ઝરણ કહેવાય છે

એકલા આવ્યા જવાના એકલા
પણ અહીં ક્યાં એકલા જિવાય છે

-ગૌરાંગ ઠાકર

સ્વર : સોહિલ બ્લોચ

સ્વરાંકન : ડો ભરત પટેલ

આજ સખી એણે આંખલડી…

Comments Off on આજ સખી એણે આંખલડી…

 

 

આજ સખી એણે આંખલડીના કાજળની કરી ચોરી
જમુનાના જલ, ભરવા આજે મારગ લીધો ધોરી
મેઘ નથી નીતરતો તોય કેમ નથી રહી કોરી…

એકલડી હું ઊભી હતી ત્યાં, બોય ધરી મચકોરી
રીસ કરું ત્યાં, રોષ કરી એણે, દૂર કરી તરછોડી
પાછળ પાછળ ભાન ભૂલી હું દોડી ગઈ મન દોરી…..

ગાગર મારી બેઉ હતી એને ફોડી કરી શિરજોરી
ગોરા છો પણ શ્યામ બનાવું લાગો ન રાધા ગોરી
એમ કહી, ગભરાવી મ્હારા, કાજળની કરી ચોરી…..

આજ સખી કહું અંતરની ગત એણે કરી બરજોરી
હોઠના અમૃત પીને એણે પીધી નયન કટોરી
પીતાં પીતાં કાજળ ચોર્યા, પ્રાણ દીધા સંકોરી…

કેમ કરી કહું શામળિયાના હોઠની ઉપર થોરી
આંખની કીકી જેવી કાજળ ગાલ પરે ટપકોરી
એ જ ઘડી સખી વાયક સૂણ્યું તું અખિયન છો મોરી

-ચંદ્રવદન મહેતા

સ્વર : કાજલ કેવલરામાની અને આનતિ શાહ
સ્વરાંકન : ક્ષેમુ દિવેટિયા

Older Entries Newer Entries

@Amit Trivedi