હવે પીપળો ન ઊગે પછીતમાં

Comments Off on હવે પીપળો ન ઊગે પછીતમાં

 

 

હવે પીપળો ન ઊગે પછીતમાં
છાતીમાં એમ તું તો ઘૂઘવતી જેમ
કોઈ દૂધવતો હોય ભાવ ગીતમાં
સુખને આકાશ સમું કહીએ છતાંય
થતું કહેવાનું કે હજુ ખૂટે
આવી વસંત નથી ભાળી કે મંજરીઓ
ચીતરેલા ઝાડને ય ફૂટે
ઓરડાને કલરવ ભર્યો ભર્યો કરવા કૈં ભર્યો ભર્યો કરવા
હું ચકલીનું નામ હવે ચકલીનું નામ નહીં ચકલાનું
નામ લખું ભીંતમાં
શેરી પગથાર ભીંત પાદર ને ચોક
જાણે ડમરીમાં ધૂળ ઊડી જતી
આટલી ભીનાશ જોઈ એવું થતું કે
આ તો દરિયો હશે કે મારી છાતી
આભમાંથી ખરતી આ કૂણી સવાર આજ ખોબે ઝિલાય
એની મ્હેકને અડાય, મારો ખોબો છલકાય બધુ તરતું રે જાય
હવે પ્રીતનોય ભાર નહી પ્રીતમાં

-રમેશ પારેખ

સ્વરઃ અમર ભટ્ટ
સ્વરાંકન : ક્ષેમુ દિવેટિયા

પ્યાસ રહી સળગી

Comments Off on પ્યાસ રહી સળગી

 

 

પ્યાસ રહી સળગી
જીવતરમાં આગ રહી સળગી………
દિલ મુજ નાનું પ્યાર દરિયા સમ
કેમ શકું શમવી
પીતી તોય તરસ નવ ટળતી
નીર જતાં છલકી……..

પાસ લઉં જ્યમ નિકટ લઉં તુજ
દિલ મુજ હૃદય લગી
તોય જુદાઈ જતી નથી પ્રિતમ
જોડ સદા અળગી
જીવતરમાં આગ રહી સળગી…………

સ્થાન અસીમ કદિક સાંપડશે
દિલ મળશે દિલથી
તે દિ’ કરજ ભરી જિંદગીભરનું
પામીશ હું મુગતિ
જીવતરમાં આગ રહી સળગી..

-ઝવેરચંદ મેઘાણી

સ્વરઃ હેમાંગિની દેસાઈ
સ્વરાંકનઃ ક્ષેમુ દિવેટિયા

આખીએ રાત તને કહેવાની વાત

Comments Off on આખીએ રાત તને કહેવાની વાત

 

 

આખીએ રાત તને કહેવાની વાત મેં
બોલ્યે રાખી તો થયાં ઝાકળનાં પાંચ સાત ટીપાં……

હોઠે જો હોત એ પંખીનું ગીત થઈ
છોડી હું દેત એને ફળિયાની ડાળના માળામાં
પગની જો થાત એ રણઝણતી ઝાંઝરી
મૂકી હું દેત એને સત્તરમાં ઓરડે તાળામાં
અરે આંખોથી, ખોબાથી, ફૂલોથી, પાનોથી
કેમે સચવાય ના, ઝાકળનાં પાંચ સાત ટીપાં…. ..

પહેલું કિરણ જ્યાં સોયની અણી થઈ
સૂરજનું ખૂપ્યું તો ફૂટયાં કાળા ડિબાંગ પરપોટા
બીજું કિરણ જયાં ટીપાંને સ્પર્શયું ત્યાં
ટીપાંમાં પડી ગયાં જળનાં ય કારમાં તોટાં
મારા બોલ્યાનો નાદ, તને કહેવાની વાત ને
અંધારી રાત થયા દિવસ જેવા જ ખાલીપા……

-હર્ષદ ચંદારાણા

સ્વર :સંજય ઓઝા
સ્વરાંકન : માલવ દિવેટીઆ

હૈયું ઝૂરે છે બાંધી પ્રીતડી

Comments Off on હૈયું ઝૂરે છે બાંધી પ્રીતડી

 

 

હૈયું ઝૂરે છે બાંધી પ્રીતડી
શે રે વિચારું મારા શ્યામ
માયા તારી મીઠડી

આંસુડા સારી રોતી આંખડી
જોતી વ્હાલા તારી વાટડી
જીભે જપું છું તારું નામ
માયા તારી મીઠડી

તું છે ચાંદલિયો હું છું પોયણી
ઓઢી અલબેલા તારી ઓઢણી
મારા અંતરને તું આરામ
માયા તારી મીઠડી

-મનસ્વી

સ્વર : હર્ષિદા  રાવળ
સ્વરાંકન : ક્ષેમુ દિવેટિયા

હે જી અમથા અમથા અડયાં

Comments Off on હે જી અમથા અમથા અડયાં

 

 

હે જી અમથા અમથા અડયાં
કે અમને રણઝણ મીણાં ચડયાં…..

જનમ જનમ કંઈ વીતી ગયા ને ચડી ઊતરી ખોળ
અમે ન કિંતુ રણઝણવાનો કર્યો કદીએ ડોળ
અમે અમારે રહ્યા અઘોરીની કોઈને નડ્યાં…..

એક ખૂણામાં પડી રહેલાં હતાં અમે તંબૂર
ખટક અમારે હતી કોઈ ‘દિ બજવું નહીં બેસૂર
રહ્યા મૂક થઈ અબોલ મનડે છાનાં છ૫નાં રડયાં….

હવે લાખ મથીએ નવ તોયે રહે હાથ નવ હૈયાં
કરી રહ્યાં છે સતત સૂર લઈ સુંદર વર સામૈયા
જગ જગ ઝંખ્યા ‘સરોદ’ સ્વામી જોતે જેને જડયાં……

– ‘સરોદ’

સ્વર : પુરૂષોત્તમ ઉપાધ્યાય
સ્વરાંકન : ક્ષેમુ દિવેટિયા

Older Entries Newer Entries

@Amit Trivedi