શું નવો સંકલ્પ લઉં હું

Comments Off on શું નવો સંકલ્પ લઉં હું

શું નવો સંકલ્પ લઉં હું આવનારા વર્ષમાં?
એટલું ચાહું વીતે એ અન્યના ઉત્કર્ષમાં.

પ્રેમ, શ્રદ્ધા, લાગણી, સંવેદના, સંસ્કારિતા,
આટલું ભરચક રહે અસ્તિત્વ કેરા પર્સમાં.

એકસરખી તો દશા કાયમ નથી રહેવાની, પણ-
એકસરખું હો વલણ તકલીફમાં ને હર્ષમાં!

છો ખૂટી જાતું બધું જે કાંઈ છે ભેગું કર્યું,
એક બસ હિમ્મત ખૂટે નહીં આકરા સંઘર્ષમાં.

જિંદગી હારી ચૂકેલાને ફરી બેઠો કરું*!
એટલી તાકાત પામું શબ્દમાં ને સ્પર્શમાં.

કૈંક તારું, કૈંક મારું, પણ બધું એનું જ છે,
આ ભરોસો, આ સમજ બસ કેળવું નિષ્કર્ષમાં.

— હિમલ પંડ્યા

ના બોલાય રે ના બોલાય…

Comments Off on ના બોલાય રે ના બોલાય…

 

 
 

 

ના બોલાય રે ના બોલાય રે
એક અમી ભરપૂર ઉરે તવ
સોમલ કેમ ઘોળાય રે ……ના બોલાય

તારે હાથે પ્રિય મેં જ ધર્યો હતો
મેંદીએ રંગીન હાથ
અંગથી અંગ અડાડી ભર્યા નીલ
કુંજ મહીં ડગ સાથ
રંગ સુગંધની સોડ તણી અવ
વાત એ કેમ ખોલાયરે…..ના બેલાય

સ્હેજ અડે મૃદુ આંગળી ત્યાં
રણકે મધુરો ઝણકાર
એજ વીણા તણી તાંત તૂટી
બનિયો મૂક રે અવતાર
વાણી મહીં નહીં આંસુ મહીં નહીં
ઠાલવું અંતર આગ
આગની સંગ ઉમંગ ભર્યો લહુ
જીવનનો અનુરાગ
પ્રેમ પિયા ! તવ પૂજન ફૂલ શો
આંચમાં કેમ રોળાયરે……. ના બેલાય

-રાજેન્દ્ર શાહ

સ્વરઃ અલકા યાજ્ઞિક
સ્વરાંકન : ક્ષેમુ દિવેટિયા

સૌજન્ય : માલવ દિવેટિયા

કોણ જાણે કેમ કલમ શાંત પડી છે

Comments Off on કોણ જાણે કેમ કલમ શાંત પડી છે

 
 


 

અસીમ મહેતા

 

કોણ   જાણે   કેમ  કલમ   શાંત  પડી  છે
ને  આમ તો એ કાલ આખી રાત રડી  છે

જીવન   ગુજારતા એક ઉંમર   જતી  રહી
ને  હવે   થાય  છે  એવી  પહેલી ઘડી  છે

પાષાણ હોત તો બધું આસાન થઈ  જતે
સંવેદના  જીવનમાં  મને  ખૂબ   નડી  છે

બધાં   બધાં   ને   એજ   પૂછ્યા  કરે  છે
તારી   કે   મારી   અહીં    કોને   પડી છે

– ડો. ફિરોઝ કાજી

સ્વરઃ અસીમ મહેતા
સ્વરાંકન : અસીમ મહેતા

લીલો રે રંગ્યો…

Comments Off on લીલો રે રંગ્યો…

 


 

લીલો રે ૨ંગ્યો જેણે પોપટ
ધોળો કીધો જેણે હંસ
સઘળે તે રંગે ચીતર્યો મોરલો
એને ઓળખવો છે અંશ

નજરું નાંખી આખા આભલે
જેની ભરી રે ભૂરાશ
જલનો લાગ્યો મીઠો ઘૂંટડો
માણી આંબળાની તૂરાશ
હે જી લીલો રે રંગ્યો

કાનજીની કાયા ગણું કેટલી
ધર્યું રાધાનું ય રૂપ
શબદુનો સાદ નહીં પ્હોંચતો
મારી રસના તો અવ ચૂપ
હે જી લીલો રે રંગ્યો

-પ્રિયકાન્ત મણિયાર

સ્વર : ભુપિન્દરસીંઘ
સ્વરાંકન : ક્ષેમુ દિવેટિયા

સૌજન્ય : માલવ દિવેટિયા

Newer Entries

@Amit Trivedi