વાતે વાતે તને વાંકું પડયું ને

Comments Off on વાતે વાતે તને વાંકું પડયું ને

 
 

વાતે વાતે તને વાંકું પડયું ને.mp3

 

વાતે વાતે તને વાંકું પડયું ને,
મેં વાતોની કુંજગલી છોડી દીધી…
શબ્દોને પંથ કોણ કોને નડયું ?
મેં તો વાતોની કુંજગલી છોડી દીધી…

આંખોમાં વાદળાં ને શ્વાસોમાં વાયરા,
પણ અડકો તો ભોમ સાવ કોરી…
તારા તે કાન લગી આવી ઢોળાઇ ગઇ,
હોઠ સમી અમરત કટોરી…
પંખીની પાંખમહીં પીંછુ રડયું,
મેં તો વાતોની કુંજગલી છોડી દીધી…

હવે ખળખળતાં ટળટળતાં અંધાર્યા જળ,
કે અણધાર્યો તૂટી પડયો સેતુ…
પાસે રહીને મને લાગે છે કેમ હવે,
કેટલાય જનમોનું છેટું!
મારાં સપનાંને વેદનાનું વૈકુંઠ જડયું,
ને મેં તો વાતોની કુંજગલી છોડી દીધી…

-જગદીશ જોશી

સ્વર: પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વરાંકન:પુરુષોત્તમ ઉપાધ્યાય
 
 

તારું તે નામ લઈ…

Comments Off on તારું તે નામ લઈ…

 
 

તારું તે નામ લઈ .mp3

 
 
તારું તે નામ લઈ હૈયું આ રાતદિન મીઠેરી વાંસળીને વાય
મનને એકાન્ત જરી બોલુ હું નામ ત્યાં નીચા આ નેણ ઢળી જાય

દર્પણની પાસ જઈ પાછી હું જાઉં વળી એવું શું થાય મને આજ
કે હોઠ નહિ ઉઘડે ને પાય નહિ ઉપડે ને મુખડે છવાઈ જાય લાજ

છાનેરી વાતને ચોરીછૂપીથી રખે વાયરોયે સાંભળી જાય
મનને એકાન્ત જરી બોલુ હું નામ ત્યાં નીચા આ નેણ ઢળી જાય

પાંપણ બિડાય પણ નીંદરનું નામ નહિ શમણાંઓ શ્યામલ અંજાય
ચંચલ સુગંધને કૂણી આ પાંખડીમાં કેમ કરી ઢાંકી ઢંકાય?

પંખાળી ફોરમને ઝાલી ઝલાય નહિ કોણ જાણે ક્યાંય ભળી જાય
મનને એકાન્ત જરી બોલુ હું નામ ત્યાં નીચા આ નેણ ઢળી જાય
 
– સુરેશ દલાલ
 
સ્વર: રાજેશ વ્યાસ
સ્વરાંકન: પરેશ ભટ્ટ
 
 

જવાબ દે ને ક્યાં છે તું…

Comments Off on જવાબ દે ને ક્યાં છે તું…

 
 

    બોર મેં ચાખ્યાં હતા એ ક્યાં ગયાં, .mp3  

 
 

જવાબ દે ને ક્યાં છે તું ઓ મારા દિલની આરઝુ
જવાબ દે ને ક્યાં છે તું ઓ મારા દિલની આરઝુ
જવાબ દે ને ક્યાં છે તું

મન તારો સાથ અનુભવે તને આંખો દેખવા ચહે
તને આંખો દેખવા ચહે
એક વાર આવ રૂબરૂ ઓ મારા દિલની આરઝુ
જવાબ દે ને ક્યાં છે તું

તું ચાહે તે તને દઉં અસત્ય નવ જરી કહું
હું તારો એક ગુલામ છું તું મારા દિલની આરઝુ
જવાબ દે ને ક્યાં છે તું

તારા વિના મૃત્યુ ગમે ને તારી સાથે જિન્દગી
ને તારી સાથે જિન્દગી
હૃદયના હિંચકે ઝુલાવું આવ તને પ્રેમથી

ઓ મારા દિલની આરઝુ જવાબ દેને ક્યાં છે તું
ઓ મારા દિલની આરઝુ જવાબ દેને ક્યાં છે તું

 
-રમેશ ગુપ્તા
 
સ્વરઃ તલત મહેમુદ (૧૯૬૧)
સંગીતઃ કેરસી મિસ્ત્રી

 
 

એવું તો કૈં ભાળી બેઠાં

Comments Off on એવું તો કૈં ભાળી બેઠાં

 
 

 

 

ડો ભરત પટેલ

 

એવું તો કૈં ભાળી બેઠાં.
અંતરને અજવાળી બેઠાં !

ચ્હેરા ઊપર ચ્હેરો મૂકી,
આસુંઓને ખાળી બેઠાં.

સગપણનાં આ જંગલ વચ્ચે,
જાત અમારી બાળી બેઠાં.

એથી તો આ સાંજ ઢળી છે,
પાંપણને એ ઢાળી બેઠાં.

શાતા ક્યાંથી મળશે અમને !
અંગારા પંપાળી બેઠાં.

– મુકેશ દવે 

સ્વર : ડો. ભરત પટેલ
સ્વરાંકન : ડો. ભરત પટેલ

અમથું જરાક અમે પૂછ્યું કે કેમ છો?

Comments Off on અમથું જરાક અમે પૂછ્યું કે કેમ છો?

 

અમથું જરાક અમે પૂછ્યું કે કેમ છો?.mp3

 

અમથું જરાક અમે પૂછ્યું કે કેમ છો?
એમાં શું પડી ગઈ ધાડ,
તમારી નજર જો પડી જાય ઘાસમાં,
તો તરણું પણ બની જાય પ્હાડ.

અમે જૂનો ભરવાડ જેમ ઘેટાં ગણે,
ને એમ દિવસો ગણતા કે હજી કેટલાં?
ને તમે દીધાં સંભારણાના પડદા ઉંચકાય નહીં,
આંખોમાં થાક હજી એટલા.

અરીસાનાં ફૂટવાથી ચહેરો ફૂટે નહીં,
ખોટાં છે કાચનાં કમાડ… તમારી નજર જો..

અમે વૈશાખી તડકામાં બાવળની હેઠ પડ્યા,
પડતર જમીનનાં વેરાણ,
તમે બાવળનાં ફૂલ સમું એવું જોતાં કે,
સૂકી ડાળખીને ફૂટી જાય પાન.

છણકાની છાલકથી જાશે તણાઇ
તમે બાંધેલી ઉંબરાની વાડ.. તમારી નજર જો
 
-અનિલ જોશી
 
સ્વર : પ્રહર વોરા
સ્વરાંકન: ગૌરાંગ વ્યાસ
   

Older Entries

@Amit Trivedi