એ જાણવા જોવા તણી

Comments Off on એ જાણવા જોવા તણી

 
 

 
 
એ જાણવા જોવા તણી
દિલ ઝંખના ખટકી રહી;
બ્રહ્માંડને ભટકી રહી,
અંતે મતિ અટકી રહી.
આકાશના ઘડનારના
ઘરને ઘડ્યાં કોણે હશે ?
તારલાની માતા તણા
કોઠા કહો કેવડા હશે ?
અધ રેચકે પ્રલયો ગયા,
પૂરકે લયો કેટલા જશે ?
અવધૂત એ જોગી તણાં
આસન કહો ક્યાં હશે ?….
 
-દુલા ભાયા કાગ
 
સ્વર: આલાપ દેસાઈ
સ્વરાંકન : આલાપ દેસાઈ
 
 

રે…. વણઝારા……

Comments Off on રે…. વણઝારા……

 
 

 
 
રે…. વણઝારા……
રે…. વણઝારા……

તારી કાંગસીએ તોડ્યો મારો સોનેરી વાળ,
મને બદલામાં વેણી લઇ આપ.
રે…. વણઝારા……
પાથરણા આપું તને આપું પરવાળા,
પૂનમ ઘોળીને પછી આપું અજવાળા…
રે…. વણઝારા……
તારી મોજડીએ તોડી મારી મોતીની પાળ,
મને બદલામાં દરિયો લઇ આપ.
રે…. વણઝારા……
રાજપાટ આપું તને આપું ધબકારા,
પાંપણની પાંદડીના આપું પલકારા…
રે…. વણઝારા……
તારા ટેરવે તણાયા મારા કમખાના ઢાળ,
મને બદલામાં ટહુકો લઇ આપ.
 
– વિનોદ જોષી

 
સ્વર : કલ્પક ગાંધી
સ્વરાકંન : કલ્પક ગાંધી
 
 

આપણે તો એટલામાં રાજી

Comments Off on આપણે તો એટલામાં રાજી

 
 

 
 

આપણે તો એટલામાં રાજી
આખાયે જંગલમાં રોજ રોજ ફૂટે છે
. ક્યાંક એક કૂંપળ તો તાજી
. આપણે તો એટલામાં રાજી

એકાદું પંખી જો ડાળ ઉપર બેસે
. તો થાય, મળ્યું આખું આકાશ
એકાદું ગીત કોઈ મોસમનું ગાય
. તોય રોમરોમ ફૂટે પલાશ
એકાદી લહેરખી પવનની જ્યાં સ્પર્શે
. ત્યાં રણઝણતી ઝાલરી બાજી
. આપણે તો એટલામાં રાજી…

પાણીની એકાદી છાલકમાં હોય કદી
. રીમઝીમ રેલાતો મલહાર
છાતીમાં નાંગરેલ સપનામાં હોય કોઈ
. એકાદી ક્ષણનો વિસ્તાર
એક એક કૂંપળમાં જંગલ ઊભરાય ?
. કોઈ પૂછે, તો કહીએ કે હાજી
. આપણે તો એટલામાં રાજી
 
– રમણીક સોમેશ્વર
 

સ્વર : કૌશલ અને કાજલ છાયા
સ્વરાંકન : કાજલ છાયા

 
 

આમ રોજે ઘેરાય, નહીં વરસે

Comments Off on આમ રોજે ઘેરાય, નહીં વરસે

 
 

 
 

આમ રોજે ઘેરાય, નહીં વરસે,
વરસાદ મારા વ્હાલમજી જેવો…
મને તરસાવી પોતે પણ તરસે,
વરસાદ મારા વ્હાલમજી જેવો…

કોરા રહે ને વળી જાતે હિજરાય એવા
બંને સ્વભાવથી છે સરખા,
મન મૂકી વરસે નહીં બેમાંથી કોઈ
મને લથબથ ભીંજ્યાના અભરખા;
એમ સમજાવ્યો સાનમાં ન સમજે,
વરસાદ મારા વ્હાલમજી જેવો…

મનના માનેલ અને આષાઢી છેલ,
હું તો કેમ કરી સમજાવું તમને?
ઓઢણીનું આછેરું ઈજન ન ઓળખો તો
લાજ્યું ન આવે કાંઈ અમને?
સાવ આઘે આઘેથી મને અડકે,
વરસાદ મારા વ્હાલમજી જેવો…
 
-તુષાર શુક્લ
 
સ્વર: આરતી મુન્શી
સ્વરાંકન: હરિશ્ચંદ્ર જોશી
 
 

આટઆટલાં વરસો જેણે…

Comments Off on આટઆટલાં વરસો જેણે…

 
 

 
 

આટઆટલાં વરસો જેણે રાખ્યું ઘર હુંફાળું
મ્હેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું

દીકરી જાતા એમ લાગતું ગયો ગોખથી દીવો
નૈં સંધાય હવે આ ફળિયું ગમે એટલું સીવો
જેની પગલી પડતાં સઘળે થઈ જાતું રજવાડું
મ્હેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું

રંગોળીમાં પડશે નહીં રે પહેલા જેવી ભાત
દૂર દૂર રે ચાલી જાશે ઘરની આ મિરાત
આંસુથી ભીંજાશે સૌની આંખોનું પરવાળું
મ્હેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું
 
-અનિલ ચાવડા
 

સ્વર : નયન પંચોલી.
સ્વરાંકન : નયન પંચોલી.
 
 

Older Entries Newer Entries

@Amit Trivedi