હું એકલપંડે વરસોથી …

Comments Off on હું એકલપંડે વરસોથી …


ડો ફિરદોસ દેખૈયા


Click the link below to download

Hu Ekal Pande_cut.mp3

 

હું એકલપંડે   વરસોથી    વનવાસ   લઈને   ઊભો  છું,
ભીતર  ભંડારી  રેશમિયા  આઘાત  લઈને     ઊભો  છું.

વીસરાઈ જતો વારેઘડીએ તવ   ખાસંખાસ  પ્રસંગોમાં
હું    વારંવાર   પ્રસંગોનો   રઘવાટ   લઈને  ઊભો  છું,

ઉપજાઉ   બનેલી આંખોમાં તાક્યા કરવાની  એકલતા ,
અનિમેષપણાના    ગૂગળને  લોબાન  લઈને ઊભો છું,

તું નવલકથા આરંભે છે પંક્તિ, પ્રકરણનો  ખ્યાલ  રહે
હું મધ્યાંતરમાં   મળવાનો  એકરાર લઈને   ઊભો  છું,

હું વાસી કંઈ ગઈકાલ નથી કે ચીમળાયેલો શબ્દ નથી
હું શિલાલેખનો અક્ષ્રર છું, ઈતિહાસ   લઈને   ઊભો છું,

– ગુણવંત ઉપાધ્યાય

સ્વરાંકન અને સ્વર : ડો ફિરદોસ દેખૈયા

હરિવરને કાગળ લખીએ રે …

Comments Off on હરિવરને કાગળ લખીએ રે …


ભગવતીકુમાર શર્મા

 


 

Click the link below to download

Harivar Ne Kagal Lakhi ye Re.mp3

 

હરિવરને કાગળ લખીએ રે … લઇને જમુના જળ લખીએ રે …

જત લખવાનું કે કરવી છે, થોડી ઝાઝી રાવ
વ્હાલા હારે વઢવાનો યે લેવો લીલો લ્હાવ
અમે તમારા ચરણકમળને પખાળવા આતુર
હવે નૈણમાં વરસો થઇ ચોમાસુ ગાંડુતુર
કંઇ ભીની ઝળહળ લખીએ રે … લઇને જમુના જળ લખીએ રે …

શ્વાસમાં વરસે નામ રટણના કેમ ન પારિજાત
ઝટ બોલો હરિ ક્યારે થાશું રોમ રોમ રળિયાત
કાં રુદિયામાં ફરતી મેલો ટપ ટપ તુલસી માળ
કાં આવીને શ્વાસ સમેટૉ મારા અંતરિયાળ
શું હાવાં આગળ લખીએ રે … લઇને જમુના જળ લખીએ રે …

– ભગવતીકુમાર શર્મા

સ્વર : સોલી કાપડિયા

શ્વાસમાં છલકાય

Comments Off on શ્વાસમાં છલકાય


ચિનુ મોદી

 


 
Click the link below to download

swasma.mp3

 
શ્વાસમાં છલકાય છાની  ગંધ તો ?
ને  બધે  ચર્ચાય   આ  સંબંધ તો ?

કંઠથી    છટક્યો   ટહુકો    મોરનો
ડાળ પરથી  જો મળે અકબંધ તો ?

આંખમાંથી   આંસુઓ   લૂછો નહીં
તૂટશે     પેલો     ઋણાનુંબંધ  તો?

હું    ક્ષણોના   મહેલમાં  જાઉં અને
કોક   દરવાજો    કરી  દે  બંધ તો

– ચિનુ મોદી

સ્વરાંકન : કલ્પક ગાંધી

સ્વર : શ્યામલ- સૌમિલ મુન્શી

ક્યારેક કોઈ લાગણીને

Comments Off on ક્યારેક કોઈ લાગણીને


ભરત વિંઝુડા

 


Click the link below to download

kyarek koi lagnee ne.mp3

 

ક્યારેક   કોઈ  લાગણીને  પક્ષાઘાત   થાય ,
તો એવું કૈક   થાય કે અરધી જ વાત   થાય

તારો  ય   હોય  તો  કઈ  ઓર  વાત  થાય,
પોતાના હાથથી તો  ફક્ત આપઘાત થાય !

સૂરજ  ફર્યા  કરે   છે   અહીં    ગોળગોળ ને ,
ક્યારેક દિવસ થાય ને હરરોજ રાત  થાય !

રહી જાય છે બધી  ય  ઈજાઓ ત્વચા ઉપર ,
ને  એનું દુઃખવું  જ  ફક્ત આત્મસાત થાય !

શોધ્યાં  કરી  ખુશીની દવા છેક લગ “કવલ”
રડવાનું  દર્દ  થાય  અને  જન્મજાત થાય !

– ભરત વિંઝુડા

સ્વરાંકન : ડૉ ભરત પટેલ

સ્વર : પ્રિતી ગજ્જર

પાંદડાએ લે મને ઉભી રાખી

Comments Off on પાંદડાએ લે મને ઉભી રાખી


વિનોદ જોશી

 


 

Click the link below to download

Panda E Le Mane Ubhi Rakhi.mp3

 

પાંદડાએ લે મને ઉભી રાખી,
પછી અમથી, ને પછી તમથી
ને પછી સાચકલી વાત કહી આખી.

વાતમાં તો ઝાકળની લૂમ,
એને વેળો તો દાંતરડા બુઠ્ઠાં થઈ જાય,
સુરજના હોંકારે જાગેલા કાળમીંઢ
પડછાયા જુઠ્ઠા થઈ જાઉં.
ઝાડવાએ લે મને ઉભી રાખી,
પછી અરડી, ને પછી મરડી
ને પછી તડકેથી છાયાડીમાં નાખી.

કોઈવાર માળામાં ઉતરતું ચાંદરણું
ડાળખીમાં ત્રાંસુ થઈ જાય,
કોઈવાર આંખોમાં આથમેલ શમણાઓ
ગળચટ્ટા આંસુ થઈ જાય.
વાયરાએ લે મને ઉભી રાખી,
પછી ઐંથી, ને પછી તૈથી,
ને પછી પગથી તે માથા લગી ચાખી.

– વિનોદ જોશી

સ્વરાંકન : દક્ષેશ ધૃવ

સ્વર : ઝરણા વ્યાસ

Older Entries Newer Entries

@Amit Trivedi