પાગલથી કરવો પ્યાર

Comments Off on પાગલથી કરવો પ્યાર

 

 

પાગલથી  કરવો  પ્યાર  તમારું ગજું નથી
જીવન   થશે  ખુવાર    તમારું ગજું નથી

તજવા   તમારા    દ્વાર તમારું ગજું નથી
તલવારની   છેે   ધાર તમારું   ગજું  નથી

એ  તો અમે તજીને  ધરા આવીએ ગગન
થવું  એ  હદની   બાર   તમારું ગજું નથી

રેવાદો   પક્ષ  લેવો   અમારો  ભલા થઈ
દુશ્મન   થશે   હજાર   તમારું ગજુ નથી

‘નાઝીર’ની જેમ હસ્તી મીટાવી નહી શકો
કરજો   નહી  કરાર   તમારું  ગજું નથી.

– નાઝિર દેખૈયા

સ્વર : ઓસમાણ મીર

સખીરી હરિ વરસે તો પલળું

Comments Off on સખીરી હરિ વરસે તો પલળું

 

 

સખીરી હરિ વરસે તો પલળું
લખલખ ચોમાસામાં કોરું મીણનું મારું દલડું
હરિ વરસે તો પલળું
સખીરી….

હરિ જ મારો ઉનાળો ને, હરિ વાય તો ટાઢ
હરિથી આંખ્યું ભરી ભરીને , હરિ વહે તે બાઢ

તુલસી દળકે આશ્રુબિંદુ, હરિ નમાવે પલળું
હરિ વરસે તો પલળું

હરિ ધઘખતા સ્મરણ કલમ ને
હરિ શાહી ને કાગળ
હરિ લખ્યું ત્યાં શબ્દો ખૂટયા
હવે લખું શું આગળ?

હરિ કનડતા ના વરસી…..
હું કોરી રહીને કનડું
હરિ વરસે તો પલળું

લખલખ ચોમાસામાં કોરું મીણનું મારું દલડું
હરિ વરસે તો પલળું
હરિ વરસે તો પલળું
સખીરી….
હરિ વરસે તો પલળું

– સંદીપ ભાટિયા

સ્વર : ઝરણા વ્યાસ

સ્વરાંકન : દક્ષેશ ધૃવ

સમી સાંજનો ઢોલ

Comments Off on સમી સાંજનો ઢોલ

 

 

સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઉઘલતી મ્હાલે.
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.

પાદર બેસી ફફડી ઊઠતી
ઘરચોળાની ભાત,
ડૂસકે ડૂસકે હડસેલાતી
બાળપણાની વાત

સમી સાંજનો ઢોલ ઢબૂકતો….

પૈંડું સીંચતા રસ્તો આખો
કોલાહલમાં ખૂંપે
શૈશવથી ચીતરેલી શેરી
સૂનકારમાં ડૂબે.

સમી સાંજનો ઢોલ ઢબૂકતો….

જાન વળાવી પાછો વળતો
દીવડો થરથર કંપે
ખડકી પાસે ઊભો રહીને
અજવાળાને ઝંખે

સમી સાંજનો ઢોલ ઢબુકતો જાન ઉઘલતી મ્હાલે.
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.

-અનિલ જોશી

સ્વર : નીતિન દેવકા

સ્વરાંકન : પુરુષોત્તમ ઉપાધ્યાય

ભાન હોય છે

Comments Off on ભાન હોય છે


સૌનક પંડયા

 

 

નાદાન મનને એ બધું ક્યાં ભાન હોય  છે ?
આંસુની  પૂર્વભૂમિકા  અરમાન   હોય  છે

તેઓ સુખી છે જેમને બીજાના દુઃખ મહીં,
દુઃખી થવાનું  દોહ્યલું   વરદાન   હોય   છે

મિત્રો  જો  શત્રુ  નહિ  બને તો એ કરે શું ?
દુશ્મન  ઉપર  તમારું  વધુ ધ્યાન હોય છે

હાથે    કરીને    ગૂંચવ્યું   છે   કોકડું   તમે,
નહિતર તો જીવવું ઘણું આસાન હોય છે

ઝગડો   કરીને  થાકી ગયાં  ચંદ્ર  ને  નિશા ,
ઝાકળનાં  બુંદ  રુપે  સમાધાન  હોય   છે

– કિરણ ચૌહાણ

સ્વર : સૌનક પંડયા

સ્વરાંકન : સૌનક પંડયા

પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા

Comments Off on પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા

 

 

ઓછા રે પડ્યા.. ઓછા રે પડ્યા…
પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા
ભાંગેલા કાળજાની કોર કેરા કટકા
ગોતી ગોતી થાક્યા તો યે કયાંક ના જડ્યા
પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા

કોઇ થાતુ રાજી ને કોઇ જાતુ દાઝી
આવી તે હોય શું તારી આતશબાજી
લાગી રે લગન કેરી અગન ને ટાળવા
કે લોચન ને મન મારા જોને ઝગડ્યા
પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા

સ્નેહ કેરી સોયમાં પોર્યો ના પોરાય મારા દલડાનો દોરો
વરસે ચોમેર તારુ અજવાળુ તો યે મારા અંતરનો બાગ રહ્યો કોરો ને કોરો
ધનતાને લૂટતા ખુદ રે લૂટાણાં
કે જાવુ’તુ ક્યાં ને ક્યાં આવી રે ચડ્યા
પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા

અણગમતી તોય મુને ગમતી અમાસ
સપનાઓ આવે અને પાંપણની પાસ
અંતરનો ચાંદ મારો રહ્યો રે અધુરો
અને હસતા નયણા એ જોને મોતીડા મઢ્યા
પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા

– અવિનાશ વ્યાસ

સ્વર : વિરાજ – બિજલ ઉપાધ્યાય

સ્વરાંકન : અવિનાશ વ્યાસ

Older Entries Newer Entries

@Amit Trivedi