બોલે બુલબુલ

Comments Off on બોલે બુલબુલ

 


 

બોલે બુલબુલ
આ રે ગુલાબી મારી નીંદરની પાંખડીએ
ઝીણા ઝરે સૂર કોના આકુલ? બોલે બુલબુલ
ચૈતરની ચાંદનીનાં ફોરાં શા સૂર એ,
આવી છંટાય મારી પાંપણે અમૂલ ….બોલે બુલબુલ
રજની વલોવી એણે શું શું રે પીધું?
અમરત પિવડાવવામાં રહેતું મશગૂલ! બોલે બુલબુલ
અરધું પરધું સુણાય તોય રચે શો મૃદુલ
પૃથિવી ને સ્વર્ગ વચે સૂર તણો પુલ! બોલે બુલબુલ

કવિ: ઉમાશંકર જોશી

સ્વરકાર: અમર ભટ્ટ

ગાયક: ઐશ્વર્યા મજમુદાર

માધવે રાધા જ્યાં અધરે ધરી કે

Comments Off on માધવે રાધા જ્યાં અધરે ધરી કે

 

 

માધવે રાધા જ્યાં અધરે ધરી કે
આખી વાંસળીની જેમ ઉઠી વાગી
સાત સાત સૂરના મેઘના ધનુષ જેમ
રોમ રોમ રાગીણી જાગી

સાત સાત સૂરોનું ગૂંથેલું મોરપીંછ
જેવું જરાક નમી ઝૂક્યું
પ્રેમને જરાક પાન આખુંય સામ ગાન
વેધ વેધ વેદ જેમ ફુક્યું
વેગળી કરે છે તોય વાગે છે મોરલી
એકલીય માધવની રાગી

ફૂંકે તે સૂર સૂર , ઝીલે તે સૂર સૂર
સૂર સૂર શ્યામ અને રાધા
ખીલ્યું છે સૂરધનુ આંખમાં અગાધ એમાં
ઓગળે છે દ્વૈત આધા રાધા
સૂરનો ત્રિભંગ સોહે મોહે વરમાંડ , આજ
અદકું કઈ વિશ્વ્ વરણાગી

– ઉશનસ

સ્વર : આરતી દવે

શબ્દોના નીડમાં ખોવાયું ગીત

Comments Off on શબ્દોના નીડમાં ખોવાયું ગીત

 

 

શબ્દોના નીડમાં ખોવાયું ગીત
હવે મારે એકાંત એને ખોળું;
માણસની ભીડમાં ખોવાયું સ્મીત
હવે આંસુમાં કેમ કરી ખોળું !

કોઇ દિવસ સાંભળ્યું કે ફૂલોના બાગમાં
રઝળે છે સૂનમુન સુગંધ !
કોઇ દિવસ સાંભળ્યું કે વાદળના કાફલાને
હૈયે ના જળનો ઉમંગ !
આ તે અભાગિયાની રીત કે બાવળના
કાંટે પતંગિયાનું ટોળું !

પાસે બોલાવીને પૂછશો નહીં કે મારા
લયની ઘૂઘરીઓ કેમ ટૂટી !
રસ્તામાં ક્યાં ? કેમ ? છૂટ્યો છે હાથ
બંધ પોપચામાં વેદનાને ઘૂંટી !
રેતીમાં ક્યાંય નથી ચરણો અંકિત હવે
શમણાંના દરિયાને ઢહોળું !

– જગદીશ જોશી

સ્વર અને સ્વરાંકન અનંત વ્યાસ

સહજ સાંભરે એક બાળા ગુણીજન

Comments Off on સહજ સાંભરે એક બાળા ગુણીજન

 

 

સહજ   સાંભરે   એક   બાળા ગુણીજન
ગઝલ   ગીતની   પાઠશાળા   ગુણીજન

પ્રણયની  પઢી  પાંચ    માળા  ગુણીજન
ખુલ્યાં બંધ  દ્વારોનાં   તાળા   ગુણીજન

નહીં  છત  મળે  તો   ગમે    ત્યાં  રહીશું
ભરો કિન્તુ અહીંથી  ઉચાળા   ગુણીજન

કદી   પદ – પ્રભાતી   કદી   હાંક ,ડણકાં
ગજવતા   રહે     ગીરગાળા    ગુણીજન

પડયો   બોલ  ઝીલે,  ઢળે  થાળ  માફક
નીરખમાં ય નમણા ,  નિરાળા ગુણીજન

ધવલ    રાત્રી   જાણે    ધુમાડો   ધુમાડો
અને   અંગ  દિવસોનાં  કાળા ગુણીજન

આ મત્લા થી મક્તા સુધી  પહોંચતા તો
રચાઈ    જતી     રાગમાળા    ગુણીજન

– સંજુ વાળા

સ્વર : ઓસમાણ મીર

હૃદય વિરાજે તુલસીમાલા

Comments Off on હૃદય વિરાજે તુલસીમાલા

 


સંજુ વાળા
 

કવિશ્રી સંજુ વાળા વિષે વધુ વાંચવા click કરો : સંજુ વાળા

 


 

હૃદય વિરાજે તુલસીમાલા
હાથ ગ્રહી રુમઝુમ કરતાલા
હરિ વ્હાલા રે …હરિજન વ્હાલા રે

ચૌદ ભુવન મંડળ ઘૂમરાતા સ્થિર મૂરત ચિરકાલા
મહારાસ માંડયો વ્રેમાડે ,પ્રગટી હસ્ત – મશાલા
તાલ,ઠેક,.તાલી,આવર્તન ,
ગાવત મેઘ વાજત જપતાલા
હરિ વ્હાલા રે ….. હરિજન વ્હાલા

આદ્ર ભાવ, રસભીનું ભીતર,મુખ શ્રીનામ, સબૂરી
પદ ,અર્ચન ,તૂરિયા,ખટદર્શન મધ્યે નહી કોઈ દૂરી
તું વહેતી કિરતન ધનધારા
તું જ પ્રેમપદારથ હાલા
હરિ વ્હાલા રે ….. હરિજન વ્હાલા

હૃદય વિરાજે તુલસીમાલા
હાથ ગ્રહી રુમઝુમ કરતાલા
હરિ વ્હાલા રે …હરિજન વ્હાલા રે

– સંજુ વાળા

સ્વર : પ્રીતિ ગજ્જર

સ્વરાંકન : ડો ભરત પટેલ

Older Entries Newer Entries

@Amit Trivedi