ગોરમા ને પાંચે આંગળીએ પૂજ્યાં

Comments Off on ગોરમા ને પાંચે આંગળીએ પૂજ્યાં

 


 

ગોરમા ને પાંચે આંગળીએ પૂજ્યાં
ને નાગલા ઓછાં પડયાં રે લોલ
કમખે દોથો ભરીને કાંઇ ટાંકયાં
ને આભલાં ઓછાં પડ્યાં રે લોલ

માંડવે મ્હેક મ્હેક જૂઈની વેલ
કે જૂઈના રેલાં દડે રે લોલ
સઇ મારી નેવાનું હારબંધ ટોળું
કે સામટું મોભે ચડે રે લોલ

બાઈ મારે ઉંબરાની મરજાદ
કે ઓરડા ઠેસે ચડયાં રે લોલ
આડેશ પાડોશ ઘમકે વેલ્યું
ને લાપશી ચૂલે ચડી રે લોલ

ત્રાજવે ત્રંફેલા મોરની ભેળી
હું છાનકી વાતું કરું રે લોલ
બાઈ મારે મોભે રે કાગડો બોલે
ને અમથી લાજી મરું રે લોલ

-રમેશ પારેખ

હો એક ભમરો મહેક્યો

Comments Off on હો એક ભમરો મહેક્યો

 

 

હો એક ભમરો મહેક્યો ને ફૂલડાં ફોર્યા
કે ડાળખી ઝૂમી ઊઠી રે લોલ
કે લાગણી ઝુમી ઉઠી રે લોલ
હો એક ભમરો મહેંક્યો

વાસંતી લ્હેરખી એવી મુંઝાઇ
કે એણે ઝટ દઇ ઘૂમટાને તાણ્યો
કોકિલની કયાંકથી વ્હેતી શરણાઇ
કોણે મોસમના મહિમાને જાણ્યો
કોણે છાના છાના સપનાં ને ચોર્યા’
કે રાત રૂમઝૂમી ઊઠી રે લોલ
હો એક ભમરો મહેંક્યો…

રેશમી આ ઘાસમાં આળોટે રાત
એની આંખમાં ઉજાગરાનો છાક
ઝાંઝરે એવો તે કોનો રણકાર પીધો
કે ચરણોમાં કયાંય નથી થાક
કોણે કાળજાં અમારાં આ કોર્યા
કે અંગ અંગ ચૂમી ઊંઠી રે લોલ
હો એક ભમરો મહેંકયો …

-સુરેશ દલાલ

એક બાજુ તારો મિજાજ મારા રંગરાજ

Comments Off on એક બાજુ તારો મિજાજ મારા રંગરાજ

 

 

એક બાજુ તારો મિજાજ મારા રંગરાજ
બીજી કોર ફાગણ તોર
હું તો લાજુડી મુઝાણી લાડમાં રે …

કંથજીના બોલે ને કેસૂડાંને કરીએ શું
રંગાવા બેઠા ને રંગે ના કહીએ શું
એક બાજુ હૈયાને હડસેલો વ્હાલનો
બીજી કોર કોયલનાં કહેણ
મારા વેરાઈ વેણ ગયાં મૌનમાં રે …

ફાગણિયો ફૂલે ને વ્હાલમજી ડોલે રે
રંગરાજ મારો ને ધરતીને સોહે રે
એ તો મારા જીવતરનો મઘમઘતો માંડવો ને
હેલે ચઢેલી હું વેલ
અરે, અમથી મુઝાઈ ગઈ લાડમાં રે …

— નંદુકુમાર પાઠક

ઝાડ ઉપર ઝુમકડું

Comments Off on ઝાડ ઉપર ઝુમકડું

 

 

ઝાડ ઉપર ઝુમકડું, ઝૂમકડું લૂમે ઝૂમે
આણાં આવ્યાં રે સૈયર

તોરણ ગુંથ્યું ફૂલ, ફૂલમાં ગુંથ્યું ગમતું નામ
ઉંબર વચ્ચે ઉભી રહી હું ભૂલી સઘળું કામ
આજ બારણે લાભ-શુભની વેલ્યુ લૂમેઝૂમે
આણાં આવ્યાં રે સૈયર…

અચરજ જેવું ટાણું ઘરમાં હરતું ફરતું મ્હાલે
દર્પણમાંથી ફૂટી નીકળતું કોઇ અચાનક ઝાલે
છાતી ઉપર અનરાધારે આખું આભ ઝઝૂમે
આણાં આવ્યાં રે સૈયર…

દાદાજીના આંબલિયેથી ખરશે કુણું પાન
પિયરથી સાસરના રસ્તે ખોઇ નાખશું ભાન
ચોળી ચણિયાળી ટચૂકડી છબિ આંખમાં ધૂમે
આણાં આવ્યાં રે સૈયર…

-લાલજી કાનપરિયા

પરોઢિયાની પદમણી …

Comments Off on પરોઢિયાની પદમણી …

 

 

પરોઢિયાની પદમણી ને તારો લટકો લાલમલાલ
તારે મટકો લાલમલાલ
હળવે ચાલ હળવે ચાલ…

મનની મટકીનાં ગોરસમાં
છલકે રંગ ગુલાલ
ગોરી મલકે રંગગુલાલ…

તનડામાં ને મનડામાં પણ
આ દુનિયાના દલડાંમાં પણ
તાન પલટ ને તાલ…

જોજે રસ્તે ઠેસ ન વાગે
તાજું રૂપ છે નજર ન લાગે
હસે ગુલાબી ગાલ..

સપનાં નો છે કોણ સુકાની
આવી જાજરમાન જુવાની
એની આંગળી ઝાલ….

– સ્વ. વેણીભાઈ પુરોહિત

Older Entries Newer Entries

@Amit Trivedi