રૂંવે રૂંવે હર ધારે ધારે

Comments Off on રૂંવે રૂંવે હર ધારે ધારે

રુવે રુવે હરધારે ધારે અષાઢ આગ લગાવે અષાઢ આગ લગાવે રે લોલ
શું નિર્મોહી નિર્દય સાજે ગમતાં ગીત બજાવે ગમતા ગીત બજાવે રે લોલ

સાંજ ઉભી છે નૈનો ઢાળી કોઈ પહાડી ઘાટે
ઘુંઘટમાં ઘેરાઇ ગયું, નભ આવ વરસતી વાટે
સહેજે ખીલી જ્યાં રજનીગંધા, શમણા રંગ જમાવે

વણ રે વંચાઈ યાદો જેવા, કંઈક લખાયા કાગળો
પિયા મિલનની વિરહી પળના, વીતી રહ્યા છે વાદળો કામણગારો, વરસી અડકી, શાને પીડ જગાવે?

-દિલીપ જોશી

સ્વર : ગાર્ગી વોરા
સ્વરાંકન : જયંતિભાઈ પટેલ

તારી આરતીના લઈએ ઓવારણાં

Comments Off on તારી આરતીના લઈએ ઓવારણાં

તારી આરતીના લઈએ ઓવારણાં રે મા….
આંગણમાં રમવા ઊતરો રે
અમે ખોલ્યાં છે હૈયાનાં બારણાં રે મા…..
આંગણમાં રમવા ઊતરો રે

તારી ધોળી ધજાનાં હેત નીતર્યાં રે મા
આંગણમાં રમવા ઊતરો રે
એવાં ચાંચર જઈને ચોક ચીતર્યાં રે મા….
આંગણમાં રમવા ઊતરો રે

દીપમાળાના દીપ મારી આંખડી રે મા …..
આંગણમાં રમવા ઊતરો રે
મારી ચામડી ચીરીને કરું ચાખડી રે મા……
આંગણમાં રમવા ઊતરો રે

તારી તાળીનાં તેજ ચૌદલોકમાં રે મા ….
આંગણમાં રમવા ઊતરો રે
ગરવા ગરબાની ગુંજ ઊઠે ચોકમાં રે મા ….
આંગણમાં રમવા ઊતરો રે

તારા ઊંચેથી ઊંચા પધરામણા રે મા….
આંગણમાં રમવા ઊતરો રે
કેમ ચડીએ અમે તો સાવ વામણા રે મા….
આંગણમાં રમવા ઊતરો રે

છેક પડવેથી આઠમની આરદા રે મા…..
આંગણમાં રમવા ઊતરો રે
મા, તું કાલી, ચામુંડા ‘ને શારદા રે મા ….
આંગણમાં રમવા ઊતરો રે

-સંજુ વાળા

સ્વર : પિયુષ દવે
સ્વરાંકન :ડો ભરત પટેલ

ઓચિંતી આંગણામાં આવી અલબેલડી

Comments Off on ઓચિંતી આંગણામાં આવી અલબેલડી

ઓચિંતી આંગણામાં આવી અલબેલડી
અંબાના સ્વાગત શા શા કરું?

ભીની મારી આંખડી ને ભીની હૃદય પાંખડી
અશ્રુ અભિષેકની ધારા કરું
ઓચિંતી આંગણા માં આવી અલબેલડી
અંબા ના સ્વાગત શા શા કરું?

નયનોના નેહથી નવલી નિરંજના
આરતી ઉતારી માઁના અર્ચન કરું.
ઓચિંતી આંગણા માં આવી અલબેલડી
અંબા ના સ્વાગત શા શા કરું?

આત્મ તણી અંજલિ ને પ્રેમ ની પુષ્પાન્જલી
વ્હાલ થી વધાવી માને વંદન કરું
ઓચિંતી આંગણા માં આવી અલબેલડી
અંબા ના સ્વાગત હું શા શા કરું?

મન અને તન મારું માજી તારા હાથ માં
મનડા વિના હું શું શુ કરું?
ઓચિંતી આંગણા માં આવી અલબેલડી .
અંબા ના સ્વાગત હું શા શા કરું?

-મીહીર ભાઈ સોની

સ્વર : ખુશાલી બક્ષી

માડી તારા નવ નવ ખંડે થાણાં

Comments Off on માડી તારા નવ નવ ખંડે થાણાં

માડી તારાં નવનવ ખંડે થાણાં
કે ખંડ ખંડ અભરે ભર્યા રે લોલ,
માડી તારી જ્યોતે ઝળકયાં વાણાં
કે વાણલાં મંગળ કર્યા રે લોલ–

સૂરજના સાત સાત રંગોથી રંગેલી
ચૂંદડી તે ઓઢી નિરાળી,
ચંદરની ચૌદ ચૌદ ભવનો ઉજાળતી
ટીલડી તેં ચોડી રૂપાળી,
માડી તારાં નીલમ નમણાં નેણાં
કે નેણલે અમી ઝર્યા રે લોલ

ઘૂઘવતા દરિયાના સૂર સમી ગાજતી
ચેતનવંતી તારી તાળી,
આખું બ્રહ્માંડ એવી તાળીઓના તાલે
તે નાચંતું કીધું નેહ ઢાળી,
માડી તારા કંઠે સૂરની હેલી
કે હેલીએ હૈયાં હર્યા રે લોલ

પાંચ પાંચ તત્ત્વોની માંડવડી લઈ તું
આભ અને ધરતીને ઘેરે,
ત્રણ ત્રણ લોકનાં એક એક કણમાં
તું કીરપાનાં કણકણ વેરે,
માડી તારાં કુમકુમ પગલાં જોયાં
ને જોઈને નયણાં ઠર્યાં રે લોલ

-ભાસ્કર વોરા

સ્વર : ગાર્ગી વોરા અને પ્રહર વોરા
સ્વરાંકન : ગૌરાંગ વ્યાસ

તમારી આંખડી કાજલ તણો.mp3

Comments Off on તમારી આંખડી કાજલ તણો.mp3

તમારી આંખડી કાજલ તણો શણગાર માંગે છે
આ કેવી રોશની છે કે જે સદા અંધકાર માંગે છે

બતાવો પ્રેમપૂર્વક જર્જરિત મારી કબર એને
જ્યારે જાલિમ જમાનો જિંદગીનો સાર માંગે છે

છે સામે રૂપ કિંતુ આંખ ઊંચી થઈ નથી શકતી
વિજયની છે સરસ બાજી ને હૈયું હાર માંગે છે

‘અમર’નું મોત ચાહનારા લઈ લો હૂંફમાં એને
મરી જાશે, એ મરવાને તમારો પ્યાર માંગે છે

-અમર પાલનપુરી

સ્વર :હરીશ ઉમરાવ
સ્વરાંકન : હરીશ ઉમરાવ

Older Entries

@Amit Trivedi